અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ પડવાનો શરૂ થયો છે ત્યારે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં વરસાદની ગતિ ધીમી પડી છે જોકે, હળવા વરસાદની મહેર ચાલું છે. જે પ્રમાણે એક દિવસમાં પાંચ સાત ઈંચ વરસાદ પડતો હતો હવે એ માત્ર એક બે ઈંચ પુરતો રહ્યો છે. આજે શનિવારે વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદ પડવાનો શરૂ થયો હતો. જોકે,હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
૨૪ કલાકમાં વલસાડના વાપીમાં સાત ઈંચ વરસાદ ખાબક્યો
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં શુક્રવારે સવારે ૦૬:૦૦ વાગ્યાથી લઈને શનિવારે સવારે ૦૬:૦૦ વાગ્યા સુધીમાં ૨૪ કલાકમાં ૧૭૨ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના વાપીમાં સાત ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ વલસાડના કપરાડામાં પોણા સાત ઈંચ, પારડીમાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.
૨૪ કલાકમાં ૧૭૨ તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં શુક્રવારે સવારે ૦૬:૦૦ વાગ્યાથી લઈને શનિવારે સવારે ૦૬:૦૦ વાગ્યા સુધીમાં ૨૪ કલાકમાં ૧૭૨ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીઓફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લાઓની વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવી છે.
આ ઉપરાંત નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદર, અને છાટ ઉદેપુર, તેમજ જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.