રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ગુજરાતમાં ગીરના એશિયાટિક સિંહો પર પોતાનું બીજું કોફી-ટેબલ પુસ્તક ‘કૉલ ઑફ ધ ગીર’ પ્રસ્તુત કર્યું.

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ગુજરાતમાં ગીરના એશિયાટિક સિંહો પર પોતાનું બીજું કોફી-ટેબલ પુસ્તક ‘કૉલ ઑફ ધ ગીર’ પ્રસ્તુત કર્યું હતું. ૩૧મી જુલાઈ ૨૦૨૪ના રોજ તેમણે આ પુસ્તકની પ્રથમ નકલ પીએમ નરેન્દ્ર મોદીને ભેટ આપી હતી. આ પહેલા ૨૦૧૭માં પરિમલ નથવાણી લિખિત ‘ગીર લાયન પ્રાઈડ ઓફ ગુજરાત’ પ્રકાશિત થઇ હતી.
પરિમલ નથવાણીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સિહો માટે વિસ્તાર નાનો પડી રહ્યો છે. બરડો ડુંગર પર નવું રહેઠાણ વિકસાવવું જોઇએ.તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારા અંદાજ પ્રમાણે ૯૦૦થી વધારે સિંહો હશે. હાલના વિસ્તારમાં લગભગ ૬૦ થી ૬૫ સિંહો જ રહી શકે છે. બરડા ડુંગર સહિત સિંહો માટે થોડા વધુ વિસ્તારો વિકસાવવાની જરૂર છે. તેમણે ઉલ્લેખ કર્યો કે તેમણે આ અંગે વડા પ્રધાન સાથે વાત કરી હતી અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ગુજરાતના મંત્રી મુળુભાઈ બેરા સાથે પણ આ વિષય પર ચર્ચા કરી રહ્યા છે.
સિંહોના રેલવે ટ્રેક પર થતા મોત મામલે તેમણે કહ્યું કે સિંહના વિસ્તારમાં નીકળતી રેલવે લાઇનની આજુબાજુ બાઉન્ડ્રી લગાવવાની વાત કહી હતી. રેલ્વે ટ્રેકની આસપાસ ફેન્સીંગની નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે. આકસ્મિક મૃત્યુ સામે સિંહોને બચાવવાના પ્રયાસો અંગે નથવાણીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં લગભગ ૭,૫૦૦ ખુલ્લા કૂવાઓની બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવી છે.
‘કૉલ ઑફ ધ ગીર’માં લખાણનું પ્રમાણ ઓછું છે અને તસવીરો વધુ છે. તેમાં ઝાડ પર ચઢતા સિંહો, ખનિજના ટુકડાને ચાટતાં, એકબીજા સાથે તકરાર અને વ્હાલ કરતાં, રમતાં-કૂદતાં બચ્ચાં, શિકારની મિજબાની કરી રહેલા સિંહ કુટુંબ વગેરે સહિત સિંહની કેટલીક દુર્લભ તસવીરો સામેલ છે. આ સિવાય આ પુસ્તકમાં ગીરની વનસ્પતિ અને જીવસૃષ્ટિની અલભ્યતા અને વિવિધતાને પણ ખૂબીપુર્વક કંડારાઈ છે.
ગીરની દરેક મુલાકાત તેમનામાં નવું જોમ ભરે છે – પરિમલ નથવાણી
‘કૉલ ઑફ ધ ગીર’ના લેખક પરિલ નથવાણીએ પોતાની નોંધમાં જણાવ્યું છે કે, ગીરની દરેક મુલાકાત તેમનામાં નવું જોમ ભરવાની સાથે નવી પ્રેરણા આપનારી રહી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, આ પુસ્તકને જોયા બાદ, દરેકની અંદર ગીર માટેનો અનહદ પ્રેમ ઉજાગર થશે અને આ જ તેમની સૌથી મોટી સિદ્ધિ બની રહેશે. ગીર માટે કાંઈક કરવાની પોતાની ખેવનામાં હંમેશા પ્રેરણાનો સંચાર કરવા બદલ પીએમ નરેન્દ્ર મોદીનો તેમણે આભાર માન્યો હતો.
નથવાણીએ કહ્યું હતું કે હું પોતે છેલ્લા ૩૦ વર્ષથી ગીરની મુલાકાત લઈ રહ્યો છું. મારી પાસે આટલા વર્ષોમાં ગીરના એશિયાટિક સિંહોની લીધેલી અસંખ્ય તસવીરોનું કલેક્શન છે. આ નવું પુસ્તક ગીરના સિંહોની કેટલીક શ્રેષ્ઠતમ તસવીરોને દર્શાવનારું છે. તેનાથી માત્ર સિંહપ્રેમીઓને જ નહીં, પરંતુ વિશ્વભરના વન્યજીવસૃષ્ટિ ચાહકોને પ્રેરણા અને મદદ મળશે.
પીએમ નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી ‘પ્રોજેક્ટ લાયન’ ની પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના સંવર્ધન તેમજ રક્ષણના પ્રયાસોને કારણે સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. આજે રાજ્યના આઠથી વધુ જિલ્લામાં સિંહોની ઉપસ્થિતિ જણાય છે અને પોરબંદર જિલ્લાના બરડા ખાતે તેમના માટે એક નવી વસાહત વિકસાવાઈ રહી છે.