ખેડૂત નેતાએ કહ્યું- રાખમાંથી રસ્તા બનાવે છે ‘ભ્રષ્ટાચારીઓ’.
હરિયાણાના યમુના નગરના ગોલનપુર ગામ પાસે હાઇવે પર ભુવો પડવાના કારણે ઉત્તર પ્રદેશથી પંજાબ જઈ રહેલી એક ટ્રક મોટા ખાડામાં પડી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ ભારે વરસાદના કારણે હાઈવેની ગુણવત્તા પોલ જરૂર ખુલી ગઈ છે.
આ ઘટના અંગે હાઈવે અધિકારીઓએ કહ્યું હતું કે, રોડની નીચેથી માટી ખસી જવાના કારણે હાઈવેના મોટા હિસ્સામાં ભુવો પડી ગયો હતો. આ ઘટના બાદ ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તેમજ સદ્ભાગ્યથી કાવડ યાત્રા દરમિયાન કોઈ કાવડિયાને કોઈ જ નુકસાન થયું નથી.
આ અકસ્માત બાબતે ખેડૂત નેતા મનદીપ રોડ છપ્પરે કહ્યું હતું કે, ‘હાઈવેના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો છે. માટીના બદલે રાખનો ઉપયોગ કરીને રોડ બનાવે છે. જેના કારણે રસ્તાઓ નબળા બની રહ્યા છે અને અકસ્માત થઈ રહ્યા છે.’
ખેડૂત નેતાએ યમુનાનગર-પોંટા સાહિબ હાઈવેનો ખાસ ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ત્યાં પણ હાઈવે નિર્માણમાં રાખનો ઉપયોગ કરવામાં આવે છે. તેમને આ અંગે ઉંડાણપૂર્વક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.