ભચાઉ નજીક ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો

એક તરફ વાયનાડમાં થયેલા ભયાનક ભુકંપથી દેશ આખો દુઃખ અનુભવી રહ્યો છે ત્યારે ગુજરાતના ભૂકંપ ઝોન-૫મા સમાવાયેલા સરહદી કચ્છમાં ચિંતાજનક સ્તરે ભૂગર્ભીય સળવળાટ સતત વધી રહ્યો હોવાના અહેવલો પણ ચિંતાજનક છે. તાજેતરમાં ભૂકંપના શક્તિશાળી આંચકાઓએ ધરતી ધ્રુજાવી હતી ત્યારે આગામી શ્રાવણી તહેવારોની ઉજવણીના આગોતરા થનગનાટ વચ્ચે શનિવારે રાત્રે ૧૨ અને ૫૫ મિનિટે વાગડ ફોલ્ટલાઇનમાં ઉદભવેલા ૩.૪ની તીવ્રતા ધરાવતા ભૂકંપના આંચકાએ કચ્છની ધરાને ધ્રુજાવતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

Earthquake in Kutch's Bhachau no casualty reported

૧૩ દિવસના અંતરાલ બાદ ધરાને ધ્રુજાવનારા મધ્યમ કક્ષાના આંચકા અંગે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી પાસેથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ, પૂર્વ કચ્છના ભચાઉથી ૨૨ કિલોમીટર દૂર ઉત્તર-પૂર્વ દિશાએ આવેલા મનફરા અને ઐતિહાસિક કંથકોટ વચ્ચે કેન્દ્રબિંદુ ધરાવતો આ ૩.૪ની રિક્ટર સ્કેલ પર તીવ્રતા ધરાવતો ભૂકંપ જમીનથી ૨૫ કિલોમીટરની ઉંડાઇએથી ઉદભવ્યો હતો.

પ્રમાણમાં વધારે સેકન્ડ સુધી આવેલા આંચકાથી કેન્દ્રબિંદુ આસપાસના ગામોમાં નિંદ્રાધીન થવાની તૈયારી કરી રહેલા લોકોએ ગભરાટના માર્યા ઘરની બહાર દોટ લગાવી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ખાસ કરીને કચ્છ-સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભીય હિલચાલ ચિંતાજનક રીતે વધી રહી છે. કચ્છના રાપર, ભચાઉ અને ધોળાવીરા સહિતના વિસ્તારોને સમાવતી વાગડ ફોલ્ટલાઇન વધુ પડતી સક્રિય થઇ છે અને જાન્યુઆરીથી લઇ, ઓગસ્ટ સુધીના સમયગાળામાં ભૂકંપના ૩થી ૪ સુધીની તીવ્રતા ધરાવતા સેંકડો આંચકાઓ નોંધાઈ ચુક્યા છે. સૌરાષ્ટ્રના અમરેલી, તલાલા, જામનગર અને ઉના, તેમજ ઉત્તર ગુજરાતના પાલનપુર વિસ્તારમાં પણ ભેદી ધડાકા સાથે ભૂકંપના આંચકાઓ સમયાંતરે આવી રહ્યા છે જે લોકોમાં એક ચિંતાનો વિષય બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *