પેરિસ ઓલિમ્પિકમાં ભારતની આશાઓને મોટો ફટકો પડ્યો છે. સ્ટાર રેસલર વિનેશ ફોગાટને ૨૦૨૪ પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી છે. તે ફાઇનલમાં પહોંચી હતી, જેને કારણે દેશના લોકોને ગોલ્ડની આશા હતી, પરંતુ હવે તે પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે વિનેશ ફોગાટ આજે ૫૦ કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં ભાગ લઈ શકશે નહીં.

પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં પ્રવેશવા માટે તમામ અવરોધોને પાર કર્યા પછી, વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવામાં આવી છે. અહેવાલ મુજબ ફાઈનલ મેચ માટે વિનેશનું વજન ૫૦ કિલોથી થોડા ગ્રામ વધુ હતું. રિપોર્ટ્સ અનુસાર, વિનેશ આખી રાત ઊંઘી ન હતી, જોગિંગથી માંડીને સ્કીપિંગ અને સાયકલ ચલાવવા સુધી વિનેશે બધું જ કર્યું! પણ તેને અયોગ્ય જાહેર કરવામાં આવી છે.
ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનને એક નિવેદનમાં જણાવ્યું હતું “દુઃખની વાત છે કે ભારતીય ટીમે વિનેશ ફોગાટને મહિલા કુસ્તી ૫૦kg વર્ગમાંથી અયોગ્ય ઠેરવવા અંગેના સમાચાર શેર કર્યા છે. ટીમ દ્વારા આખી રાત શ્રેષ્ઠ પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં, આજે સવારે તેનું વજન ૫૦kg કરતાં થોડા ગ્રામ જ વધુ રહ્યું હતું. આ સમયે ટીમ દ્વારા વધુ કોઈ ટિપ્પણી કરવામાં આવશે નહીં. ભારતીય ટીમ સૌને વિનેશની પ્રાઈવસીનું સન્માન કરવા વિનંતી કરે છે. તે આગળની સ્પર્ધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા ઈચ્છે છે.”
ભારતીય કોચે જણાવ્યું હતું કે “આજે સવારે વિનેશનું વજન ૧૦૦ ગ્રામ જેટલું વધારે હોવાનું જાણવા મળ્યું હતું. નિયમો વધુ વજનને મંજૂરી આપતા નથી અને તેને ગેરલાયક ઠેરવવામાં આવી છે,”
IOAએ શું કહ્યું ?
વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર કરવામાં આવતા ઈન્ડિયન ઓલિમ્પિક એશોશિયન (IOA)ની પ્રતિક્રિયા પણ સામે આવી છે. રિપોર્ટ અનુસાર, ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને વિનેશ ફોગાટને ગોલ્ડ મેડલ મેચમાં ડિસ્ક્વોલિફાઈ જાહેર કરવા બદલ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) સમક્ષ ફરિયાદ નોંધાવી છે. IOA આ મામલે વધુ કોઈ નિવેદનો આપશે નહીં. તેણે પ્રાઈવસી જાળવી રાખવા અપીલ કરી છે.
નિયમ શું કહે છે
યૂનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW)ના નિયમો અનુસાર જો કોઈ એથલીટ વજન માપવામાં ભાગ નથી લેતો કે અસફળ થાય છે તો તે એથલીટને સ્પર્ધામાંથી બહાર કરી દેવામાં આવશે અને રેન્ક આપ્યા વગર જ છેલ્લા સ્થાને મૂકવામાં આવશે. ભારતીય પ્રતિનિધિમંડળે ફોગાટને વજનના માપદંડોને પૂર્ણ કરવા માટે વધારાના સમયની વિનંતી કરી હતી, પરંતુ તેમની વિનંતીને નકારી કાઢવામાં આવી હતી.
વિનેશનું વજન ૫૦ કિલોગ્રામથી થોડોક વધુ હોવાનો દાવો
વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર કરવામાં આવી છે. એવામાં ભારતના ઓલિમ્પિક અભિયાનને જોરદાર ઝટકો લાગ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે તેમનું વજન ૫૦ કિલોની કેટેગરીથી મેળ ખાતો નથી. ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) એ કહ્યું કે આ આઘાતજનક છે કે ભારતીય ટીમ મહિલા કુશ્તી ૫૦ કિગ્રા કેટેગરીથી વિનેશ ફોગટ અયોગ્ય જાહેર થઈ છે. રાત ભર ટીમ દ્વારા કરાયેલા શ્રેષ્ઠ પ્રયાસો છતાં આજે સવારે તેનું વજન ૫૦ કિગ્રાથી થોડોક જ વધારે હતું. હાલના સમયે ટીમ દ્વારા કોઈ ટિપ્પણી કરવામાં આવી રહી નથી.
ફાઇનલમાં અમેરિકન રેસલર સાથે ટક્કર થવાની હતી
વિનેશની ફાઇનલમાં અમેરિકાની સારાહ એન હિલ્ડેબ્રાન્ડ સામે ટક્કર થવાની હતી. આ અમેરિકન રેસલરે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી હતી. આ ઉપરાંત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે.
સેમીફાઈનલમાં શાનદાર વિજય થયો હતો
વિનેશ ફોગાટે મંગળવારે (૦૭ ઓગસ્ટ) રમાયેલી મેચમાં પ્રથમ રાઉન્ડ સુધી 1-0થી આગળ હતી. પછી છેલ્લી ત્રણ મિનિટમાં ક્યુબાની રેસલર પર ડબલ લેગ એટેક કર્યો અને 4 પોઈન્ટ મેળવ્યા હતા. તેણે આ લીડને અંત સુધી જાળવી રાખી હતી અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ ઓલિમ્પિકમાં વિનેશની સફર શાનદાર રહી છે. સેમિફાઇનલ પહેલા, વિનેશે ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની લિવાચ ઉક્સાનાને 7-5થી હરાવી હતી.
વિનેશ ફોગાટના નામે ઘણાં મેડલ અને રેકોર્ડ્સ
૧- ૨૦૧૮ એશિયન ગેમ્સ, જકાર્તા – ગોલ્ડ મેડલ
૨- ૨૦૧૮ કોમનવેલ્થ ગેમ્સ, ગોલ્ડ કોસ્ટ – ગોલ્ડ મેડલ
૩- ૨૦૧૪ કોમનવેલ્થ ગેમ્સ, ગ્લાસગો – ગોલ્ડ મેડલ
૪- ૨૦૧૮ એશિયન ચેમ્પિયનશિપ, બિશ્કેક – સિલ્વર મેડલ
૫- ૨૦૧૩ કોમનવેલ્થ ચેમ્પિયનશિપ, જોહાનિસબર્ગ – સિલ્વર મેડલ
૬- ૨૦૨૦ એશિયન ચેમ્પિયનશિપ, નવી દિલ્હી – બ્રોન્ઝ મેડલ
૭- ૨૦૧૯ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ, કઝાકિસ્તાન – બ્રોન્ઝ મેડલ
૮- ૨૦૧૯ એશિયન ચેમ્પિયનશિપ, ઝિઆન – બ્રોન્ઝ મેડલ
૯- ૨૦૧૬ એશિયન ચેમ્પિયનશિપ, બેંગકોક – બ્રોન્ઝ મેડલ
૧૦- ૨૦૧૪ એશિયન ગેમ્સ, ઇંચિયોન- બ્રોન્ઝ મેડલ
૧૧- ૨૦૧૩ એશિયન ચેમ્પિયનશિપ, નવી દિલ્હી – બ્રોન્ઝ મેડલ
તમે ચેમ્પિયન છો, દેશનું ગૌરવ છો, અમે તમારી સાથે છીએઃ વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર થયા બાદ પીએમ મોદીની ટ્વિટ.
વડાપ્રધાને ટ્વિટમાં લખ્યું હતું કે ‘વિનેશ, તમે ચેમ્પિયનની ચેમ્પિયન છો! તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો. આ આંચકો પીડાદાયક છે. હું ઈચ્છું છું કે હું મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરી શકું. અમે આશા રાખીએ છીએ કે તમે મજબૂત રીતે પાછા આવશો. અમે બધા તમારી સાથે છીએ.