જાણો કોને છે સત્તા અને શું છે નિયમો.
દર વર્ષે તમે જોયું હશે કે સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસના અવસર પર લોકો દેશભક્તિની ભાવનાથી પોતાની લોકો પોતાની બાઈક કે કાર પર રાષ્ટ્રધ્વજ લગાવતા હોય છે. પરંતુ દરેકને આ કરવાની મંજૂરી નથી હોતી. ભારતીય ધ્વજ સંહિતા, ૨૦૦૨ મુજબ, માત્ર અમુક લોકોને જ તેમના વાહનો પર ત્રિરંગો લગાવવાનો કાનૂની અધિકાર છે.
વાહન પર તિરંગો લગાવવાની સત્તા કોની પાસે છે?
રાષ્ટ્રીય ધ્વજ સંહિતા અનુસાર ત્રિરંગો ફરકાવવા બાબતે અમુક નિયમો હોય છે જેમકે, જ્યારે પણ ત્રિરંગો ફરકાવવામાં આવે ત્યારે ભગવો રંગ ઉપરની તરફ હોવો જોઈએ. તેમજ ફાટેલો કે મેલો પણ ન હોવો જોઈએ.
વાહનો પર રાષ્ટ્રધ્વજ લગાવવાની વાત આવે તો ભારતીય ધ્વજ સંહિતા, ૨૦૦૨ ના ફકરા ૩.૪૪ મુજબ, મોટર કાર પર રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો વિશેષાધિકાર ફક્ત રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને ઉપરાજ્યપાલ, સેનાના વડા, કેબિનેટ મંત્રીઓ, રાજ્ય મંત્રીઓ અને કેન્દ્રના નાયબ મંત્રીઓ, રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી, લોકસભા અધ્યક્ષ, રાજ્યસભા અધ્યક્ષ, લોકસભાના ઉપાધ્યક્ષ, રાજ્ય વિધાન પરિષદના અધ્યક્ષ, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાના અધ્યક્ષ, રાજ્યવિધાનસભાના ઉપાધ્યક્ષ, રાજ્ય વિધાનપરિષદના ઉપાધ્યક્ષ, ભારતના મુખ્ય ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટના જજ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, હાઈકોર્ટના ન્યાયાધીશને જ હોય છે.
નિયમો તોડવાની સજા શું છે?
નાગરિકોને ઘરમાં ત્રિરંગો લહેરાવવાની કે હાથમાં ધ્વજ લઈને ચાલવાની સ્વતંત્રતા છે. પરંતુ ખાનગી વાહનો પર રાષ્ટ્રધ્વજ લગાવવા એ ગુનો છે. જો કોઈ વ્યક્તિ આમાં દોષી સાબિત થાય છે તો તેની સામે પ્રિવેન્શન ઓફ ઈન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ, ૧૯૭૧ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આ મુજબ, ભારતના રાષ્ટ્રીય પ્રતીકો જેમ કે રાષ્ટ્રધ્વજ, બંધારણ અને રાષ્ટ્રગીતનું અપમાન કરવા બદલ વ્યક્તિને 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને થઈ શકે છે.
ઘરમાં ધ્વજ લહેરાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો
નિયમો અનુસાર, કોઈપણ જાહેર/ખાનગી સંસ્થા અથવા શૈક્ષણિક સંસ્થાનો કોઈપણ સભ્ય કોઈપણ દિવસે અને કોઈપણ પ્રસંગે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે જ્યારે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે ત્યારે તેને સંપૂર્ણ સન્માન મળવું જોઈએ.
શું રાત્રે રાષ્ટ્રધ્વજ નીચે ઉતારવો પડે છે?
અગાઉ માત્ર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રાષ્ટ્રધ્વજ ફરકાવવાની પરવાનગી હતી, પરંતુ 2022માં સરકારે આ નિયમમાં સુધારો કરીને સમયનો પ્રતિબંધ હટાવી દીધો હતો. હવે લોકોના ઘરો ઉપર રાત્રિના રાષ્ટ્રધ્વજ ફરકતો રહે તેની છૂટ આપી છે
ધ્વજ સંહિતામાં સંશોધન કરીને પોલિએસ્ટર કાપડથી બનેલો ધ્વજ ફરકાવવા પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. તેમજ રાષ્ટ્રધ્વજ કોટન/પોલિએસ્ટર/ઊન/સિલ્ક/ખાદીમાંથી બનાવી શકાય છે. હાથથી વણાયેલા અથવા મશીનથી બનેલા રાષ્ટ્રધ્વજનો પણ ઉપયોગ કરી શકાય છે.