સેન્સેક્સમાં ૧૪૦૦ પોઈન્ટનો ઉછાળો, ટેક્નોલોજી-રિયાલ્ટી શેર્સ બુમ.
શેરબજારમાં છેલ્લા ૩ ટ્રેડિંગ સેશનમાં શુષ્ક માહોલ બાદ આજે ફરી આકર્ષક તેજી જોવા મળી છે. સેન્સેક્સ આજે ૧૪૧૨.૩૩ પોઈન્ટ ઉછળ્યો છે, જ્યારે નિફ્ટી પણ ૨૪૫૦૦ની સાયકોલોજિકલ સપાટીએ પરત ફર્યો છે.
સપ્તાહના અંતે આજે સેન્સેક્સ ૧૩૩૦.૯૬ પોઈન્ટ ઉછાળા સાથે ૮૦૪૩૬.૮૪ પર અને નિફ્ટી ૩૯૭.૪૦ પોઈન્ટ ઉછળી ૨૪૫૪૧.૧૫ પર બંધ રહ્યો હતો. આ સાથે રોકાણકારોની મૂડી ૭ લાખ કરોડ વધી છે. આઈટી-રિયાલ્ટી, બેન્કિંગ, પીએસયુ શેર્સમાં લેવાલીનું પ્રમાણ વધ્યું છે. સાર્વત્રિક તેજીના માહોલ સાથે આજે ૩૨૫ શેર્સમાં અપર સર્કિટ વાગી હતી. તેમજ ૨૦૨ શેર્સ વર્ષની નવી ટોચે પહોંચ્યા હતા.
બીએસઈ પર કુલ ટ્રેડેડ ૪૦૩૬ શેર્સ પૈકી ૨૪૫૯ શેર્સ ગ્રીન ઝોનમાં, ૧૪૭૦ શેર્સ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. સેન્સેક્સ પેકની ૩૦ સ્ક્રિપ્સ પૈકી સનફાર્મા સિવાય તમામ ૨૯ શેર્સમાં ૪ % સુધી ઉછળ્યા હતા. જેમાં ટેક મહિન્દ્રા ૪.૦૨ %, ટાટા મોટર્સ ૩.૪૭ %, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૩.૪૫ %, ટીસીએસ ૨.૯૧ %, એચસીએલ ટેક્. ૨.૬૫ % ઉછળ્યો હતો. સન ફાર્મા ૦.૦૩ % ઘટાડે બંધ રહ્યો હતો. જે માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ સાથે સુધારા તરફી વલણ દર્શાવે છે.
જિયોજિત ફાઈનાન્સિયલ સર્વિસિઝના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, વૈશ્વિક બજારોમાં મજબૂત રિકવરીના સથવારે સ્થાનિક શેરબજારમાં તેજી જોવા મળી છે. અમેરિકાના મજબૂત રિટેલ વેચાણ, સાપ્તાહિક બેરોજગારીમાં ઘટાડો, ફુગાવામાં ઘટાડો જેવા પરિબળોના લીધે મંદીના વાદળો દૂર થયા છે. ભારતીય આઈટી કંપનીઓમાં મજબૂત ખરીદી જોવા મળી છે. વિદેશી રોકાણકારોની ખરીદી વધવાના અંદાજ સાથે માર્કેટમાં સુધારાની શક્યતા છે.