વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે આ વર્ષનો ત્રીજો રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં સંબોધન કર્યું હતુ. આ કાર્યક્રમનો 75મો એપિસોડ હતો. આ પહેલા મોદીએ 28 ફેબ્રુઆરીએ આ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે ‘એવું લાગી રહ્યું છે કે જાણે કાલે જ આ વાત થઈ હોય, જ્યારે મેં મન કી બાત શરૂ કરી. 3 ઓક્ટોબર, 2014ના રોજથી શરૂ થયેલી આ યાત્રા હોળી સુધી પહોંચી ગઈ.’
મોદીએ શ્રોતાઓનો આભાર વ્યક્ત કર્યો
મન કી બાતમાં સંબોધન કરતા વડાપ્રધાને શ્રોતાઓને કહ્યું હતું કે આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપે આટલા જીણવટતાપૂર્વક મન કી બાતને ફોલો કરી છે અને આપ આ કાર્યક્રમ સાથે જોડાયેલા રહ્યા છો. આ મારા માટે ખૂબ જ ગૌરવભરી વાત છે, આનંદનો વિષય છે. આ સંયોગની વાત છે કે આજે મને 75માં મન કી બાત કાર્યક્રમમાં વાત કરવાની તક મળી છે. આ જ મહિનામાં આઝાદીના 75માં વર્ષ માટેના અમૃત મહોત્સવ પણ શરૂ થયો છે.
મોદીએ કર્યો જનતા કર્ફ્યુનો ઉલ્લેખ
મન કી બાતમાં કોરોનાના સંકટ અંગે PMમોદીએ ગયા વર્ષે ભરવામાં આવેલા પગલાઓ બાબતે વાત કરી. તેમણે કહ્યું કે ગયા વર્ષે માર્ચનો જ મહિનો હતો, દેશે પ્રથવ વખત જનતા કર્ફ્યુ શબ્દ સાંભળ્યો હતો. પણ આ મહાન દેશની મહાન જનતાની મહાશક્તિની અનુભવ જુઓ, સમગ્ર વિશ્વ માટે જનતા કર્ફ્યુ એક આશ્ચર્યજનક બની ગયું હતું. આવનારી પેઢીઓ આ વાત અંગે જરૂરથી ગર્વ અનુભવશે.
દુનિયાનો સૌથી મોટો વેક્સિનેશન કાર્યક્રમ ચલાવી રહ્યા
મોદીએ કહ્યું, ગયા વર્ષે આ સમયે સવાલ હતો કે કોરોનાની વેક્સિન ક્યારે આવશે. આજે આપણે દુનિયાનો સૌથી મોટો વેક્સિનેશન કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ. આપણે દેશના દરેક ખૂણામાંથી આવા સમાચારો સાંભળી રહ્યા છીએ, એવી તસવીરો જોઈ રહ્યા છીએ જે આપણા હૃદયને સ્પર્શે છે. યુપીના જૌનપુરમાં 109 વર્ષની વૃદ્ધ માતા રામ દુલૈયાજીએ વેક્સિન લગાવી છે. તેવી જ રીતે દિલ્હીમાં પણ માત્ર 107 વર્ષિય કૃષ્ણજીએ વેક્સિનનો ડોઝ લીધો છે. હૈદરાબાદમાં 100 વર્ષ જુના જય ચૌધરીજીએ વેક્સિન મુકાવી અને દરેકને અપીલ પણ કરી કે તેઓ જરૂરથી વેક્સિન મુકાવે. હું આને ટ્વિટર-ફેસબુક પર પણ જોઉં છું કે કેવી રીતે લોકો પોતાના ઘરના વૃદ્ધોને વેક્સિન અપાવ્યા બાદ ફોટા અપલોડ કરી રહ્યા છે.
ક્રિકેટર મિતાલી રાજને અભિનંદન પાઠવ્યા
PM મોદીએ ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજને પણ અભિનંદન આપ્યા, જેણે તાજેતરમાં 10,000 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. મોદીએ કહ્યું કે, ઈન્દોરમાં રહેતી સૌમ્યાએ આ અંગે મારું ધ્યાન દોર્યું હતુ અને આ અંગે ‘મન કી બાત’માં તેનો ઉલ્લેખ કરવા જણાવ્યુ હતું. આ વિષય છે- ભારતની Cricketer મિતાલી રાજનો નવો record. મિતાલીજી એ હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન બનાવનારી પહેલી ભારતીય મહિલા ક્રિકેટર બની છે. તેમની આ સિદ્ધિ બદલ અનેક અભિનંદન. મિતાલી આજે લાખો- કરોડો લોકો માટે પ્રેરણા છે.
વડાપ્રધાને કહ્યું, ‘આજે દેશની દીકરીઓ શિક્ષણથી લઈને ઉદ્યોગ સાહસિકતા, સશસ્ત્ર બળથી લઈને વિજ્ઞાન સુધીના દરેક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. મને ખાસ કરીને ખુશી તે વાતથી થાય છે કે દીકરીઓ રમત-ગમતમાં પણ નવું સ્થાન બનાવી રહી છે. પ્રોફેશનલ પસંદગી તરીકે રમત એક પસંદ બનીને ઉભરી રહ્યું છે.
5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી
મોદીના મન કી બાત કાર્યક્રમનો 75મોં એપિસોડ એવા સમયે યોજાયો છે, જ્યારે દેશના 4 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. પ્રથમ તબક્કાની ચૂંટણી ગયા શનિવારે જ સંપન્ન થઈ છે. વિરોધી હંમેશા આ કાર્યક્રમ પર સવાલ ઉઠાવી રહ્યું છે.
ગત વખતે પાણીના મહત્વ વિશે ચર્ચા કરી હતી
ગયા મહિને મોદીએ પાણીના મહત્વ અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે એક રીતે પાણી પારસ કરતા વધારે મહત્વનું છે. એવું કહેવામાં આવે છે કે પારસના સ્પર્શથી લોખંડ સોનામાં પરિવર્તિત થઈ જાય છે. તેથી, આપણે પાણીના સંગ્રહ માટે પ્રયાસો કરવા પડશે. આ માટે સામૂહિક પ્રયત્નોની જરૂર છે.