કોંગ્રેસ નેતાના વિવાદાસ્પદ નિવેદનથી હોબાળો.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે MUDA કેસની તપાસના આદેશ પછી કોંગ્રેસના કાર્યકરો, નેતાઓ અને ધારાસભ્ય, રાજ્યપાલ થાવરચંદ ગેહલોત વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ દરમિયાન પાર્ટીના એક વિધાન પરિષદના સભ્યએ (MLC) ચેતવણી આપી છે કે, ‘જો રાજ્યપાલ તેમનો આદેશ પાછો નહીં ખેંચે તો શેખ હસીનાની જેમ કર્ણાટકમાંથી ભાગી જવું પડશે.’
કોંગ્રેસના MLCએ ઈવાન ડિસોઝાએ બાંગ્લાદેશને ટાંકીને કહ્યું કે, ‘જ્યાં પીએમ શેખ હસીનાએ પોતાનું પદ અને દેશ છોડવો પડ્યો છે. હવે વિરોધ પ્રદર્શન માટે સીધા રાજ્યપાલ ઓફિસ જઈશું. જેમ બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓ પીએમ હાઉસમાં ઘૂસી ગયા હતા, ત્યારે પીએમને પોતાનું ઘર, પોસ્ટ અને દેશ છોડવાનો વારો આવ્યો હતો.’
રાજ્યપાલે કથિત જમીન કૌભાંડને લઈને મુખ્યમંત્રી સામે તપાસના આદેશ કર્યાં હતા. કોંગ્રેસના MLCએ કહ્યું હતું કે, ‘જો રાજ્યપાલે આદેશ પાછો ન ખેંચ્યો અને રાષ્ટ્રપતિએ તેમને આદેશ પાછો ખેંચવા ન કીધું તો બાંગ્લાદેશની જેવી જ હાલત થશે, જ્યાં પ્રધાનમંત્રીને દેશ છોડવાનો વારો આવ્યો હતો અને અહીંયા કર્ણાટકમાં રાજ્યપાલને ભાગવું પડશે. જ્યારે હવે આગામી વિરોધ પ્રદર્શન રાજ્યપાલ ઓફિસ ખાતે કરવામાં આવશે.’
શું છે આખી ઘટના
મૈસુર શહેરી વિકાસ સત્તામંડળને (MUDA) લઈને આરોપ છે કે, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્ની પાર્વતી તેના અવિકસિત લેન્ડ-પીસના બદલામાં ૧૪ લેન્ડ-પીસ ફાળવવામાં આવી હતી, જેને લઈને સત્તાધિકારી દ્વારા હસ્તગત કરવામાં આવ્યું હતું. આ વિવાદને લઈને મુખ્યમંત્રી પર ભષ્ટ્રાચાર અને સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, આશરે ૪૦૦૦-૫૦૦૦ કરોડનું મુડા જમીન કૌભાંડ થયું છે.
મારા ૪૦ વર્ષના રાજકીય કરિયરમાં ભષ્ટ્રાચારનો કોઈ ઈતિહાસ નથી
રાજ્યપાલ થાવરચંદ ગેહલોત દ્વારા કરવામાં આવેલા તપાસના આદેશ સામે સિદ્ધારમૈયાએ હાઈકોર્ટમાં પડકાર્ય કર્યો છે.એક રીટ અરજીમાં તેમણે તપાસના આદેશ રદ કરવાની માંગ કરતાં કહ્યું હતું કે, ‘આ નિર્ણય રાજકીય રીતે પ્રેરિત અને અન્યાયી છે. મારા ૪૦ વર્ષના રાજકીય કરિયરમાં ભષ્ટ્રાચારનો કોઈ ઈતિહાસ નથી’