જમ્મુ કાશ્મીરમાં CRPFના પેટ્રોલિંગ કરતા કાફલા પર આતંકવાદી હુમલા માં એક જવાન શહીદ.
આતંકવાદીઓએ ફરી જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં નાપાક હરકત કરી આતંકવાદી હુમલો કર્યો છે. આતંકીઓએ CRPFની પેટ્રોલિંગ ટીમ પર હુમલો કરતા એક જવાન શહીદ થયા છે. મળતા અહેવાલો મુજબ સીઆરપીએફ અને પોલીસની ટીમ પેટ્રોલિંગ કરવા નીકળી હતી, ત્યારે આતંકીઓએ ઘાત લગાવીને હુમલો કર્યો છે.
હુમલો કરવામાં આવ્યો તે સ્થળ ઉધમપુરના ડુડુ વિસ્તારની પોલીસ ચોકીથી લગભગ આઠ કિલોમીટર દૂર આવેલું છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ હુમલો બપોરે ૦૩:૩૦ કલાકે થયો છે, જેમાં સીઆરપીએફના ઈન્સ્પેક્ટર શહીદ થયા છે.
હુલના સ્થળની આસપાસ સેનાનું સર્ચ ઓપરેશન
ઉધનપુરમાં આતંકવાદીઓનો હુમલા બાદ સેનઆએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ હુમલાના જવાબમાં સીઆરપીએફ અને સ્થાનીક પોલીસ સહિત સુરક્ષા દળોએ આતંકવાદીઓને પકડી પાડવા માટે ઉધમપુર અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ અભિયાન શરૂ કરી વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે. હાલ અહીં પોલીસ અને સેનાનો મોટો કાફલો ખડકી દેવાયો છે.
જમ્મુમાં આતંકી હુમલા વધ્યા
જમ્મુ ક્ષેત્રમાં તાજેતરના મહિનાઓમાં આતંકવાદી ગતિવિધિઓમાં વધારો થયો છે. જુલાઈમાં ડોડા જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં એક અધિકારી અને એક પોલીસ અધિકારી સહિત ચાર સેનાના જવાનો શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા અલગ જૂથ કાશ્મીર ટાઈગર્સે લીધી હતી.
કઠુઆ-કુલગામમાં થયા હતા સાત જવાનો શહિદ
આતંકવાદીઓએ આઠમી જુલાઈએ કઠુઆના પહાડી વિસ્તારમાં સેનાના કાફલા પર હુમલો કર્યો હતો, જેમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર સહિત સેનાના પાંચ જવાનો શહીદ થયા હતા, જ્યારે અન્ય કેટલાક ઘાયલ થયા હતા. આ પહેલા છઠ્ઠી જુલાઈએ કુલગામ જિલ્લામાં બે અલગ-અલગ એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ છ આતંકીઓને ઠાર કર્યા હતા. આમાં બે જવાનો પણ શહીદ થયા હતા.