બુધવારે ૨૧ ઓગસ્ટના રોજ ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે, જાણો સ્કૂલ-કોલેજ, દુકાનો અને ઓફિસો ખુલ્લી રહેશે કે નહીં.
અનામત બચાવો સંઘર્ષ સમિતિએ બુધવારે ભારત બંધની જાહેરાત કરી છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (એસસી/એસટી) માટે અનામત અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાના વિરોધમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું આહ્વાન કરવામાં આવ્યું છે. અનામત બચાઓ સંઘર્ષ સમિતિ ઉપરાંત અન્ય ઘણા સંગઠનોએ પણ આ બંધનું સમર્થન કર્યું છે. આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી (બસપા)એ પણ આ બંધને પોતાનું સમર્થન આપ્યું છે. રાજસ્થાનના એસસી/એસટી સમૂહોએ પણ આ બંધને પોતાનું સમર્થન આપ્યું છે.
કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ હાઈ એલર્ટ પર
અનેક મીડિયા રિપોર્ટ મુજબ ભારત બંધને ધ્યાનમાં રાખીને પોલીસે પણ મોટી તૈયારીઓ કરી લીધી છે અને તમામ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૂચના આપવામાં આવી છે જેથી કોઈ પણ પ્રકારની ગરબડ ન થાય. વિરોધ પ્રદર્શન દરમિયાન કોઈ પ્રકારની બબાલ ના થાય તેથી પોલીસની તૈનાતી વધારવાના આદેશ આપવામાં આવ્યા છે.
ભારત બંધ દરમિયાન કોઈ હિંસા ન થાય તે બાબતને ધ્યાનમાં રાખીને વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તૈયારીઓની સમીક્ષા કરી હતી. પશ્ચિમ ઉત્તર પ્રદેશને ખાસ કરીને સંવેદનશીલ માનવામાં આવે છે અને પોલીસને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે.
૨૧ ઓગસ્ટે ભારત કેમ બંધ છે?
આ પ્રદર્શનનું નેતૃત્વ આરક્ષણ બચાઓ સંઘર્ષ સમિતિ કરી રહી છે. આ વિરોધ પ્રદર્શન સુપ્રીમ કોર્ટના 1 ઓગસ્ટના ચુકાદા સામે છે, જેમાં રાજ્યોને અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)ની અંદર સબ કેટેગરી બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમાં તે લોકોને પ્રાથમિકતા આપવાની વાત છે જેમણે અનામતની ખરેખર જરૂર છે. હવે આ પ્રદર્શનનો હેતુ આ નિર્ણયનો વિરોધ કરવાનો છે જેથી તેને પાછો ખેંચી શકાય.
ભારત બંધ ૨૦૨૪: શું-શું ખુલ્લુ છે?
ઇમરજન્સી સેવાઓ: બુધવારે ભારત બંધ દરમિયાન એમ્બ્યુલન્સ, હોસ્પિટલો અને તબીબી સુવિધાઓ જેવી ઇમરજન્સી સેવાઓ સરળતાથી કાર્ય કરશે.
પોલીસ સેવાઓઃ જાહેર સલામતી સુનિશ્ચિત કરવા કાયદાનો અમલ કરાવતી એજન્સીઓ સક્રિય રહેશે.
ફાર્મસી: દેશભરમાં ફાર્મસીઓ પણ ખુલ્લી રહેશે.
આ ઉપરાંત સરકારી કચેરીઓ, બેંકો, શાળા-કોલેજો પણ રાબેતા મુજબ ચાલુ રહેશે અને કામ રાબેતા મુજબ ચાલુ રહેશે.
આપને જણાવી દઈએ કે ભારત બંધ દરમિયાન શું ખુલ્લુ રહેશે અને શું બંધ રહેશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. પરંતુ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભારત બંધની અસર સાર્વજનિક પરિવહન સેવા પર પડી શકે છે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ ખાનગી ઓફિસો અને બજારો પણ બંધ રહેવાની ધારણા છે.