હવે અંધશ્રદ્ધા ફેલાવનારાને સાત વર્ષ સુધીની કેદ, જામીન પણ નહીં.
ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુંં સત્રમાં અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કરી દેવાયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બિલ રજૂ કર્યું હતું, જેમાં અંધશ્રદ્ધાનું આચરણ કરનારા, કરાવનારા અને દુષ્પ્રેરણા આપનારાને સજાની જોગવાઈ છે. આ બિલમાં અંધશ્રદ્ધાળુઓને છ માસથી સાત વર્ષની જેલ અને રૂ. પાંચ હજારથી માંડીને રૂ. ૫૦ હજાર સુધીનો દંડની જોગવાઈ છે. આ ઉપરાંત બિલમાં આવા આરોપીઓને જામીન નહીં આપવાની પણ જોગવાઈ છે. હવે આ કાયદા પ્રમાણે જે લોકો માનવ બલિદાન, કાળા જાદુ, અઘોરી પ્રથાને સીધું કે આડકતરી રીતે પ્રોત્સાહન આપશે, તો તે ગુનો ગણાશે.
વિધાનસભામાં અંધશ્રદ્ધાવિરોધી બિલ રજૂ કરાયું
આજથી ગુજરાત વિધાનસભાનાનું ત્રિદિવીય ચોમાસું સત્ર શરૂ થયું છે, જેમાં બપોર બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિધાનસભામાં અંધશ્રદ્ધાવિરોધી બિલ રજૂ કરવામાં આવ્યું છે. બિલ મુજબ અંધશ્રદ્ધા કરાવનાર, ઘડનાર અને આચરણ કરનાર, કરાવનાર કે દુષ્પ્રેરણા આપનાર સામે કાયદેસરની કાર્યાવાહી કરવામાં આવશે. આમાં અંધશ્રદ્ધાનું આચરણ કરનાર કે કરાવનારને જામીન નહીં મળવાની સાથે ૬ માસથી ૭ વર્ષ સુધીની કેદ, ૫ હજારથી ૫૦ હજાર સુધીનો દંડની જોગવાઈ છે. જો કે, આસામ, કર્ણાટક, છત્તીસગઢ, ઓડિશા, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સંબંધિત કાયદા અમલ પછી ગુજરાતમાં આ પ્રકારનો કાયદો અમલમાં આવતાં ૭મું રાજ્ય બનશે.
વિધાનસભામાં રજૂ કરાયેલા અંધશ્રદ્ધાવિરોધી બિલ પ્રમાણે, કોઈ વ્યક્તિ દ્વારા અથવા પોતે કાળા જાદુ, અનિષ્ટ અને અઘોરી પ્રથા, માનવ બલિદાન અને બીજી અમાનુષ, કાવતરું કરાવડાવે, વ્યવસાય કરે, જાહેરખબર આપે અથવા ઉત્તેજન આપીને લાગુ કરાયેલા કાયદાનો ભંગ કરનારા સામે આ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અધિનિયમની જોગવાઈઓ ભંગ કરનારાને બિન જામીનપાત્ર ગુનો નોંધીને 6 માસથી ૭ વર્ષ સુધીની કેદ, ૫ હજારથી ૫૦ હજાર સુધીનો દંડની જોગવાઈ છે.
અંધશ્રદ્ધાવિરોધી બિલને લઈને ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, ‘ભારતમાં જ ખાલી કાળા જાદુની પ્રથા લાગુ નથી, પરંતુ પશ્ચિમી દેશોમાં પણ આ પ્રકારની પ્રથા જોવા મળે છે. જો કે, દરેક જગ્યાએ કાળા જાદુને રોકવા માટે અલગ કાયદાઓ લાગુ કરવામાં આવ્યાં છે. આઝાદીનાં ૭૮ વર્ષ પછી પણ અંધશ્રદ્ધાની ઘટના બને છે, તે રોકવી જરૂરી છે. વિધાનસભામાં લાગુ કરાયેલા અંધશ્રદ્ધા વિરોધી બિલમાં લોકોની આસ્થા અને માન્યાતને ઠેસ ન પહોંચે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.’
કઇ કઇ પ્રવૃત્તિ ગુનો ગણાશે નહીં?
આ કાયદામાં કંઇ-કંઇ બાબતોનો સમાવેશ ગુનાહીત કૃત્યમાં થશે નહીં તેની સ્પષ્ટતા કલમ-૧૨માં કરવામાં આવી છે જેમાં…
(૧) પ્રદક્ષિણા, યાત્રા, પરિક્રમા, તેમજ ઉપાસના, હરિપથ, કીર્તન, પ્રવચન, ભજન, પ્રાચીન અને પરંપરાગત વિદ્યાઓ અને કળાઓનો ઉપદેશ, તેનો અભ્યાસ, પ્રચાર, પ્રસાર તેમજ મૃત સંતોના ચમત્કારો, ધાર્મિક ઉપદેશકોના ચમત્કારો કે જેનાથી શારીરિક ઈજા કે આર્થિક નુકસાન થતું નથી તેના વિશે સાહિત્યનો પ્રચાર અને પ્રસાર કરવો
(૨) ઘર, મંદિર, દરગાહ, ગુરુદ્વારા, ચર્ચ અથવા અન્ય ધાર્મિક સ્થળો જેવા સ્થળોએ પ્રાર્થના, ઉપાસના અને તમામ ધાર્મિક વિધિઓ જેનાથી શારીરિક હાની કે આર્થિક નુકસાન થતું નથી તે કરવી.
(૩) તમામ ધાર્મિક ઉજવણીઓ, તહેવારો, પ્રાર્થનાઓ, સરઘસ અને તેને લગતા અન્ય કોઈ પણ કાર્યો, મન્નત, નવાસ, મોહરમ શોભાયાત્રા અને અન્ય તમામ ધાર્મિક વિધિઓ કરવી, ધાર્મિક વિધિઓ અનુસાર બાળકોના કાન અને નાક વીંધવા, કેશલોચન જેવી ધાર્મિક વિધિ કરવી તેમજ વાસ્તુશાસ્ત્ર અને ભૂગર્ભજળના સ્ત્રોત લગતી સલાહ, જ્યોતિષીની સલાહ આપવી વિગેરે પ્રવૃત્તિ ગુનો ગણાશે નહીં.
ગુજરાતમાં બનેલી કેટલીક હ્રદય કંપાવી દેતી ઘટનાઓ
ગૃહ રાજ્ય મંત્રીએ વિધેયક લાવવા પાછળ ગુજરાતમાં બનેલી કેટલીક હ્રદય દ્રાવક ઘટનાઓ ગૃહ સમક્ષ રજૂ કરતા કહ્યુ હતું કે, ભારતમાં જ નહીં, દુનિયાના તમામ દેશોમાં કોઇને કોઇ સ્વરૂપે અંધશ્રધ્ધા જોવા મળે છે. આનાથી કોઇ પણ દેશ કે રાજ્ય બાકાત નથી. આઝાદીના ૭૮ વર્ષ બાદ પણ આપણા રાજ્યમાં કેટલીક હ્રદય કંપાવી દેતી ઘટનાઓ આપણા ધ્યાને આવી છે. જેમ કે..,
(૧) બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં નરબલી આપવાથી પોતાના લગ્ન થઈ જશે એવો વહેમ રાખી માસુમ બાળકની હત્યા કરી નાંખવામાં આવી.
(૨) ગીર સોમનાથ જિલ્લામાં પોતાની ૧૪ વર્ષની દીકરીને કોઈ વળગાડ છે તેવી મનમાં શંકા રાખી આ વળગાડ દૂર કરવા પોતાના ખેતરમાં દીકરીને બે કલાક આગ પાસે ઉભી રાખી, બાદમાં દાઝેલી દીકરીને ચાર-પાંચ દિવસ સુધી ખેતરમાં જ ભુખ્યા બાંધીને રાખી મોત નિપજાવવામાં આવ્યું.
(૩) અરવલ્લી જિલ્લામાં ડાકણ હોવાનો વહેમ રાખી ૭૦ વર્ષિય દાદીમાની હત્યા પોતાના જ પૌત્ર દ્વારા કરવામાં આવી.
(૪) સુરતમાં એક દીકરીને પોતાના ગુમ પિતાની ભાળ મેળવી આપવાના બહાને એક ઢોંગી તાંત્રિકે તેની સાથે શારીરિક શોષણ કરી, યુવા દીકરીની જીંદગી બરબાદ કરી નાંખી. આ ઉપરાંત ખેતરમાં સોનાના ચરૂ તેમજ અન્ય ખજાનો દટાયેલો છે, તેવા બહાના હેઠળ અનેક લોકો પાસેથી રૂપીયા પડાવી લેવામાં આવી હોવાની ઘટનાઓ પણ ધ્યાને આવી છે.