નીચાણવાળા વિસ્તારો પાણીમાં, મીઠાખળી અંડરપાસ બંધ.
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર થઈ હતી. વરસાદે પેટર્ન બદલી હોય તેમ છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ઉકળાટ બાદ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યભરમાં ૨૪ કલાકમાં ૧૫૩ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. શુક્રવારે મેમ્કો-નરોડા વિસ્તારમાં બે ઈંચ ઉપરાંત વરસાદથી અનેક વિસ્તાર પાણીમાં ભરાયા હતા. જ્યારે આજે વહેલી સવારથી અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ થઇ ગયું છે. તો બીજી તરફ મીઠાખળી અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે અમદાવાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સરખેજ, મકરબા, પ્રહ્લલાદ નગર, વેજલપુર, જીવરાજ પાર્ક, ગોતા, શ્યામલ, સાયન્સ સિટી, થલતેજ, બોપલ, ઘુમા, શિલજ, સેટેલાઇટ, ચાંદખેડા, રાણીપ, વાડજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાણક્યપુરી, નરોડા, કુબેરનગર, એરપોર્ટ, કોતરપુર, મેમ્કો, સૈજપુર સહિત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસસ્યો છે.
સુરતમાં પણ વરસાદ મેઘરાજાનું આગમન
સુરતમાં પણ ફરી મેઘરાજાનું આગમન થયું છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં અડાજણ, જહાંગીરપુરા, રાંદેર, કતારગામ, ખટોદરા, પીપલોદ, વેસું, અઠવાલાઇન્સ, અમરોલી, વરાછા, કાપોદ્રા, ઉંધના, ડિંડોલી વિસ્તારમાં સર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જેને કારણે વાતાવરણમાં ઠંડક પસરી છે. જોકે, લાંબા સમય સુધી વરસાદની ગેર હાજરી હોવાના કારણે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ પણ વધી ગયું હતું. જેથી લોકોએ ભારે બફારો અનુભવ્યો હતો. જોકે, વરસાદ પાડતા જ વાતાવરણમાં ઠંડક પસરતા જ લોકોને ગરમીથી રાહત પણ થઇ છે. જોકે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. તેજ પ્રમાણે સુરતમાં મોડી રાતથી જ વરસાદ વરસી રહ્યો છે.
વડોદરા શહેરમાં ધીમીધારે વરસાદ
વડોદરા શહેરમાં ગતરોજ વરસેલા છુટા છવાયા વરસાદ બાદ આજે વહેલી સવારથી જ શહેરમાં વરસાદી પડી રહ્યો છે. હાલમાં શહેરના વાઘોડિયા રોડ, આજવા રોડ, અમિત નગર, રાવપુરા, કારેલીબાગ, માંજલપુર, સમા છાણી, ગોરવા, અલકાપુરી સાહિતના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક છૂટો છવાય તો ક્યાંક વરસાદી ઝાપટા પડી રહ્યા છે.
ગત ૨૪ કલાકની સ્થિતિ
ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થઈ છે. દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં ૩.૪૦ ઈંચ વરસાદ નોંધાયો છે. નડીયાદ અને મેધરાજમાં ૪ ઈંચ, બગસરામાં ૩.૮૧ ઈંચ, મહુધામાં ૩.૬૨ ઈંચ, દેહગામમાં ૩.૫૪ ઈંચ, અમીરગઢમાં ૩.૫૦ ઈંચ અને ગોધરમાં ૩.૨૬ ઈંચ જોટલો વરસાદ નોંધાયો છે.
આજે આ જિલ્લામાં એલર્ટ
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (૨૪મી ઑગસ્ટ) ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલવશે. જેમાં દક્ષિણ ગુજરાતના દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પાટણ, ગાંધીનગર, મહીસાગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જાણો ૨૫મી ઑગસ્ટે કયા જિલ્લાઓમાં એલર્ટ
૨૫મી ઑગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.