મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં હેલીકોપ્ટર ક્રેશ થવાની ઘટના સામે આવી છે. પુણેમાં હાલ ઝડપી પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ખરાબ વાતાવરણના કારણે આ ઘટના ઘટી હોવાનું અંદાજ લગાવવામાં આવી રહ્યું છે. હેલીકોપ્ટરમાં ચાર લોકો સવાર હોવાની માહિતી મળી છે. જેમાં એકની હાલત ગંભીર છે જ્યારે અન્ય ત્રણ લોકો સુરક્ષિત છે.
ઘટનાના સંબંધમાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, ‘પુણેના પૌડ ગામ નજીક પ્રાઇવેટ એવિએશન કંપનીનું હેલીકોપ્ટર ક્રેશ થયું છે, આ હેલીકોપ્ટર મુંબઇથી હેદરાબાદ જઇ રહ્યું હતું અને તેમાં ચાર લોકો સવાર હતા. ‘
આ ઘટનાના એક પ્રત્યક્ષદર્શીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, ‘જ્યારે આ ઘટના બની ત્યારે હું નજીક જ હતો. મેં જોયું કે એક હેલીકોપ્ટર નીચે પડી રહ્યો છે, જ્યારે તે નીચે પડ્યો ત્યારે હું તેની પાસે ગયો. મેં પાયલોટ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ તે વાત કરવાની સ્થિતિમાં નહોતો. તે ગભરાઇ ગયો હતો અને લોકોને કહી રહ્યો હતો કે અહીંથી હટી જાઓ, હેલીકોપ્ટર બ્લાસ્ટ થઇ શકે છે.’