નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી…
શોભાયાત્રા, મુવીંગ દ્રશ્યો, ગોકુળીયુ, સાંસ્કૃતિક કાર્યક્રમ,મટકી ફોડ, દહીંહાંડી સહિતના કાર્યક્રમો ભાવિકોે મન મુકીને માણશે.
પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આવતીકાલ તા.૨૬ ઓગસ્ટના રોજ ગોહિલવાડમાં પુર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીના તહેવારની પરંપરાગત રીતે ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે રાત્રીના ૧૨ ના ટકોરે ઠાકરદ્વારા મંદિર, પુષ્ટિમાર્ગીય હવેલીઓ સહિતના ધર્મસ્થાનકોમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના ગગનભેદી જયઘોષ સાથે બાલકૃષ્ણના જન્મોત્સવના હરખભેર વધામણા કરાશે.
જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પરંપરાગત રીતે ધર્મસ્થાનકોમાં આ પર્વની ઉજવણીને અનોખો રંગ આપતા ગોવિંદા ગીતો ગૂંજી ઉઠશે. જેમાં આ વર્ષે ગો ગો ગોવિંદા.., રાધે રાધે.., રાધા કૈસે ન જલે…, મૈયા યશોદા.., કાન્હા સોજા જરા.., યશોમતી મૈયા સે.., ગોવિંદા આલા રે.., શોર મચ ગયા શોર સારી નગરી મે…, ક્રિષ્ના કયુટ લાગે છે.. સહિતના અનેક કર્ણપ્રિય ગોવિંદા ગીતો ધર્મસ્થાનકોમાં જ નહિ મોબાઈલધારકોના સ્ટેટસમાં તેમજ સોશ્યલ મિડીયાના વિવિધ પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યા છે.