ચીકનગુનિયા એડીસ મચ્છરો દ્વારા ફેલાય છે. ખૂબ વધારે તાવ આવવો, સાંધા અતિશય દુઃખવા, સ્નાયુઓ દુઃખવા, માથામાં દુઃખાવો થવો, ઉબકા, થાક અને લાલ ચકામા પડી જવા એ તેના લક્ષણો છે.

ઠંડા પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ લાવનારી ચોમાસા ની ઋતુ ઉનાળાની આકરી ગરમીથી રાહત તો આપે છે પરંતુ તે તેની સાથે કેટલીક આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પણ લઇને આવે છે. ઠેર-ઠેર ભરાયેલા પાણી, ભેજમાં વધારો અને તાપમાનમાં થતો ફેરફાર વિવિધ પ્રકારના વાઇરસના ઉપદ્રવ માટે આદર્શ વાતાવરણ સર્જે છે. તેથી ન્યુબર્ગ લેબોરેટરી મેનેજિંગ ડિરેક્ટર, ડૉ. અજય શાહએ અહીં ચોમાસાની ઋતુ દરમિયાન થતી કેટલીક સામાન્ય બીમારીઓ અને તંદુરસ્ત રહેવા માટેના કેટલાક નિવારક પગલાં આપવામાં આવ્યાં છે.
ડેન્ગ્યુનો તાવ
ડેન્ગ્યુ એ મચ્છરજન્ય વાઇરલ બીમારી છે, જે બંધિયાર પાણીમાં ઉછરતા એડીસ મચ્છરને કારણે થાય છે. તાવ, અતિશય માથું દુઃખવું, આંખોની પાછળ દુઃખાવો થવો, સાંધા અને સ્નાયુઓ દુઃખવા, લાલ ચકામા અને રક્તસ્રાવ થવો વગેરે તેના લક્ષણો છે.
નિવારણ:
- તમારા ઘરની આસપાસ પાણી ભરાયેલું હોય તો તેને દૂર કરો.
- મોસ્કિટો રેપેલેન્ટ્સ અને મચ્છરજાળીનો ઉપયોગ કરો.
- લાંબી બાંયના કપડાં પહેરો.
- બારી-બારણાં બંધ રાખો કે સ્ક્રીનનો ઉપયોગ કરો.
મેલેરિયા
મેલેરિયા પણ એક મચ્છરજન્ય બીમારી છે, જે એનોફીલીસ મચ્છર દ્વારા ફેલાય છે. તેમાં તાવ આવે છે, ઠંડી લાગે છે, પરસેવો થાય છે અને માથું પણ દુઃખે છે.
નિવારણઃ
- ડેન્ગ્યુની જેમ જ મચ્છર ના કરડે તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
- મચ્છરજાળી અને રેપેલેન્ટ્સનો ઉપયોગ કરો.
- સવારે અને સાંજના સમયે ઘરની બહારની પ્રવૃત્તિઓ કરવાનું ટાળો, કારણ કે, મચ્છરો આ સમયે સૌથી વધારે સક્રિય હોય છે.
- યોગ્ય સ્વચ્છતા જાળવો અને પાણી ભરાઈ ના રહે તેની કાળજી લો.
ચીકનગુનિયા
ચીકનગુનિયા એડીસ મચ્છરો દ્વારા ફેલાય છે. ખૂબ વધારે તાવ આવવો, સાંધા અતિશય દુઃખવા, સ્નાયુઓ દુઃખવા, માથામાં દુઃખાવો થવો, ઉબકા, થાક અને લાલ ચકામા પડી જવા એ તેના લક્ષણો છે.
નિવારણઃ
- જ્યાં મચ્છરો ઉત્પન્ન થતાં હોય તેવી જગ્યાઓને સાફ કરો.
- ઇન્સેક્ટ રેપેલેન્ટનો ઉપયોગ કરો અને સંરક્ષણાત્મક કપડાં પહેરો.
- યોગ્ય સ્વચ્છતા જાળવો.
લેપ્ટોસ્પાઇરોસિસ
લેપ્ટોસ્પાઇરોસિસ એ બેક્ટેરિયાનો ચેપ છે, જે ચેપગ્રસ્ત પશુઓના પેશાબથી દૂષિત પાણી મારફતે ફેલાય છે. ખૂબ વધારે તાવ, માથામાં દુઃખાવો, ઠંડી લાગવી, સ્નાયુઓ દુઃખવા, ઊલટી, કમળો અને આંખો લાલ થઈ જવી વગેરે તેના લક્ષણો છે.
નિવારણઃ
- બંધિયાર પાણી કે પૂરના પાણીમાં ચાલવાનું ટાળો.
- જ્યારે પાણીમાંથી પસાર થતાં હો ત્યારે પગરખાં પહેરો.
- યોગ્ય સ્વચ્છતા અને સફાઈ જાળવો.
ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ઇન્ફેક્શન
દૂષિત ખોરાક અને પાણીને કારણે ટાઇફોડ, કોલેરા અને ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ જેવા ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ઇન્ફેક્શન થઈ શકે છે. ઝાડા, ઊલટી, પેટમાં ચૂંક અને તાવ એ તેના લક્ષણો છે.
નિવારણઃ
- શુદ્ધ અને ઉકાળેલું પાણી પીવો.
- રસ્તા પરનો ખોરાક ખાવાનું ટાળો અને તાજો રાંધેલો, ઘરે બનાવેલો ખોરાક ખાઓ.
- વારંવાર હાથ ધોઈને સારી વ્યક્તિગત સ્વચ્છતા જાળવો.
વાઇરલ ઇન્ફેક્શન
ચોમાસાની ઋતુમાં સામાન્ય શરદી, ફ્લુ અને વાઇરલ તાવ જેવા વાઇરલ ઇન્ફેક્શનમાં પણ વધારો જોવા મળે છે. તેના લક્ષણોમાં તાવ, શરીરમાં કળતર, ખાંસી અને મોઢું આવવાનો સમાવેશ થાય છે.
નિવારણઃ
- ચેપગ્રસ્ત વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું ટાળો.
- રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે સંતુલિત આહાર આરોગો.
- વરસાદમાં પલળશો નહીં, શરીરને કોરું રાખો.
એક તરફ ચોમાસાની ઋતુમાં આકરી ગરમીથી ખૂબ જરૂરી રાહત મળે છે અને ચોમેર સુંદરતા ફેલાઈ જાય છે, ત્યારે આરોગ્ય સામે ઊભા થયેલા જોખમોથી ચેતવું પણ એટલું જ જરૂરી છે. ખૂબ જ સરળ નિવારક પગલાંઓ લેવાથી અને યોગ્ય સ્વચ્છતા જાળવવાથી તમે આવી સર્વસામાન્ય બીમારીઓને દૂર રાખીને ચોમાસાની ઋતુનો આનંદ માણી શકો છો.