બરાબર રાત્રીના ૧૨ ના ટકોરે શંખનાદ, ઝાલરનાદ, ઘંટનાદ વચ્ચે આતશબાજીની જમાવટ સાથે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકીના ગગનભેદી જયઘોષ સાથે કૃષ્ણ જન્મોત્સવના હરખભેર વધામણા કરાવવામાં આવ્યા હતા. આ સાથે જ દ્વારકા, શામળાજી,ડાકોર, સહિત રાજ્યભરના મંદિરો કૃષ્ણમય બની ગયા હતા. રાત્રે કર્ણપ્રિય મટકીગીતોના ગાન સાથે કૃષ્ણભકિતના ગીતોની રમઝટ બોલાવાવવામાં આવી હતી.
સોમવારે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે રાજ્યભરના મંદિરો અને સોસાયટી અને ઘરોમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિરો, સોસાયટી અને ઘરમાં સજાવટ સાથે ભક્તિમય બન્યા હતા અને નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જન્માષ્ટમીના દિવસે દ્વારકા, ડાકોર, સહિત રાજ્યભરના કૃષ્ણ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.
કૃષ્ણ મંદિરોમાં ફુલોથી ડેકોરેશન અને વિવિધ થીમ પર મંદિર ની સજાવટ કરવામાં આવી હતી. દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમ ઉપરાંત રાત્રીના દરમિયાન ભજન સાથે રાત્રે ભવ્ય રીતે કૃષ્ણ જન્મોત્સવ કરવામાં આવ્યો હતો. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી સાથે સુંઠ, પંજરી અને વિવિધ મીઠાઈનો પ્રસાદ પણ ભક્તોને આપવામાં આવી હતી. આ ઉપરાંત ગઈકાલે (સોમવારે) દિવસ દરમિયાન વિવિધ જગ્યાએ મટકી બાંધવામાં આવી હતી તે કેટલીક જગ્યાએ સોસાયટીના રહીશોએ તો કેટલીક જગ્યાએ ગોવિંદાઓએ મટકી ફોડીને જન્માષ્ટમીની ઉજવણી કરી હતી.

મંદિર, સોસાયટી અને ઘરોમાં સવારથી મોડી રાત્રી સુધી ભજન- કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રીના બરાબર ૧૨ વાગ્યાના ટકોરે મંદિર ઉપરાંત ઘર અને સોસાયટીઓમાં શંખનાદ સાથે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકીના નારા ગુંજી ઉઠ્યા હતા.
શ્રીકૃષ્ણના ૫૨૫૧માં જન્મોત્સવની ગુજરાતભરમાં પરંપરાગત રીત ઊજવણી કરવામાં આવી રહી છે, ત્યારે શામળાજી, ડાકોર, દ્વારકા ખાતે શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ગયા છે. બીજી તરફ, કૃષ્ણજન્મોત્સવમાં ગણતરીનો સમય બાકી છે, તેવામાં દેશભરમાંથી કાળિયા ઠાકરના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તેમની સલામતી સાથે-સાથે યોગ્ય સુવિધા પૂરી પાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ઠમીના તહેવારે રાજ્યના દ્વારકા, શામળાજી અને ડાકોર મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે.
શ્રીકૃષ્ણ જન્મોત્સવ દરમિયાન શામળાજી ખાતે ભગવાનને શંખ, ચક્ર, ગદા, પદ્મથી, સોના વેશ સહિત સોનાની વનમાલા પહેરાવીને શણગારવામાં આવ્યાં છે. જેમાં હીરાજડિત મુગટના અનોખા શણગારની સાથે ખાસ કારીગરો દ્વારા વાઘાનો શણગાર બનાવવામાં આવ્યો છે. બીજી તરફ, શામળાજીમાં યુવક મંડળ દ્વારા મંદિર પરિસરમાં મટકી ફોડ કાર્યક્રમ પછી ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. જ્યારે શામળાજીમાં ભગવાન શામળિયાની શોભાયાત્રા નીકળી આવી હતી.
ડાકોર ખાતે રાજાધિરાજના વહેલી સવારે ૦૪:૪૫ કલાકે દર્શન ખુલ્લા કરતાની સાથએ શ્રદ્ધાળુ દ્વારા ‘જય રણછોડ માખણ ચોર’ના નારા બોલાવતા આખું મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું. બીજી તરફ, રાજ્યભરમાં ભારે વરસાદ વચ્ચે શ્રીકૃષ્ણના દર્શન કરવા માટે દર્શનાર્થીઓની ભીડ ઉમટી હતી. આ દરમિયાન ડાકોરના ગોટા ખાવા લોકોની પડાપડી જોવા મળી હતી. આ ઉપરાંત, શ્રદ્ધાળુઓ ગોમતી ઘાટની મજા માણી હતી.