યુપીમાં ૬૦ હજાર કોન્સ્ટેબલ માટે ૪૮ લાખ અરજી.

ઉત્તર પ્રદેશમાં કોન્સ્ટેબલના ૬૦,૨૪૪ પદો પર ભરતી માટે પરીક્ષા યોજવામાં આવી રહી છે, જે માટે અધધધ ૪૮.૨ લાખ લોકોએ અરજી કરી છે. એટલે કે એક કોન્સ્ટેબલના પદની સામે ૮૦ ઉમેદવારો મેદાનમાં છે. આ પહેલા જાન્યુઆરી ૨૦૧૯માં જ્યારે કોન્સ્ટેબલની ભરતી થઇ હતી ત્યારે ૪૯,૫૬૮ પદો પર ૧૯.૩૮ લાખ ઉમેદવાર હતા, એટલે કે એક પદની સામે ૩૯ લોકોએ અરજી કરી હતી.

યોગી સરકાર દાવા કરી રહી છે કે ઉત્તર પ્રદેશમાં બેરોજગારી દર દેશની સરખામણીએ ઓછો છે જ્યારે બીજી તરફ માત્ર ૬૦ હજાર પદો માટે ૪૮ લાખ લોકોએ અરજી કરી છે જે આ દાવાની પોલ ખોલી રહી છે.
પીરિયોડિક લેબર ફોર્સ સર્વે (પીએલએફએસ)ની તાજેતરની રિપોર્ટ અનુસાર દેશભરમાં બેરોજગારી દર ૩.૨ ટકા છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં આ ટકાવારી ૨.૪ ટકા હોવાનો દાવો કરાયો છે.
૨૦૧૯માં યોગી સરકારે ૬૯ હજાર શિક્ષકોની ભરતી બહાર પાડી હતી જેમાં ટેટ પાસ ૪.૧૦ લાખે અરજી કરી હતી, ૨૦૧૮માં ગ્રામ વિકાસ અધિકારી માટે ૧૯૧૮ પદો પર ભરતી માટે ૧૪ લાખે અરજી કરી હતી.
બીજી તરફ કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો વિભાગ અને ઓફિસો માટે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ૧૭ હજાર પદો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેમાં ૩૬ લાખ જેટલા ઉમેદવારોએ અરજી કરી છે. જે છેલ્લા સાત વર્ષમાં સૌથી વધુ માનવામાં આવે છે. આ પદોમાં અસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, આઇટી ઇન્સ્પેક્ટર, એક્સાઇઝ ઇન્સ્પેક્ટર, ઓડિટર, સબ ઇન્સ્પેક્ટર સીબીઆઇ, જુનિયર અકાઉંટન્ટ વગેરેનો સમાવેશ થાય છે. ગત વર્ષની સરખામણીએ આ પદો માટે અરજી કરનારાની સંખ્યામાં ૧૨ લાખનો વધારો થયો છે.