કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો.
સપ્ટેમ્બર મહિનો આજથી શરૂ થયો છે અને મહિનાની શરૂઆતમાં જ વહેલી સવારે એલપીજી ગેસ સિલિન્ડર પર મોંઘવારી નો બોમ્બ ફૂટ્યો. ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરમાં ફરી એકવાર ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે.
૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં જ ફેરફાર કરાયો છે, જ્યારે ૧૪ કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ હજુ પણ યથાવત્ રખાયા છે. ૧ સપ્ટેમ્બર રવિવારથી દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 39 રૂપિયા મોંઘું થઈ ગયું છે.
IOCLની વેબસાઈટ અનુસાર દિલ્હીથી મુંબઈ સુધીના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની નવી કિંમતો ૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ સવારે ૦૬:૦૦ વાગ્યાથી લાગુ કરવામાં આવી છે. લેટેસ્ટ ફેરફાર બાદ હવે રાજધાની દિલ્હીમાં ૧૯ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત ૧૬૫૨.૫૦ રૂપિયાથી વધીને ૧૬૯૧.૫૦ રૂપિયા થઈ ગઈ છે. અહીં પ્રતિ સિલિન્ડર ૩૯ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જો કોલકાતાની વાત કરીએ તો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત હવે ૧૭૬૪.૫૦ રૂપિયાથી વધીને ૧૮૦૨.૫૦ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે અહીં તે ૩૮ રૂપિયા મોંઘું થઈ ગયું છે.