રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સોમવારે કહ્યું કે ૨૦૦૦ રૂપિયાની ૯૭.૯૬ % નોટો બેંકોમાં પરત આવી છે. જો કે આ નોટો હજુ પણ કાનૂની ટેન્ડર છે, લોકો પાસે હવે ૭,૨૬૧ કરોડ રૂપિયાની નોટો છે, જેને ચલણમાંથી હટાવી દેવામાં આવી છે.
RBIએ જણાવ્યું હતું કે ૧૯ મે, ૨૦૨૩થી RBIની ૧૯ ઈશ્યુ ઓફિસમાં રૂ. ૨૦૦૦ની કિંમતની નોટો બદલવાની સુવિધા ઉપલબ્ધ છે. ૭ ઓક્ટોબર, ૨૦૨૩ સુધી દેશભરની તમામ બેંક શાખાઓમાં રૂ. ૨૦૦૦ની બેંક નોટ જમા કરાવવા અથવા બદલવાની સુવિધા ઉપલબ્ધ હતી.
બેંક રેગ્યુલેટરે કહ્યું કે, ૯ ઓક્ટોબર, ૨૦૨૩થી આરબીઆઈની ઈશ્યુ ઓફિસો પણ વ્યક્તિઓ અને સંસ્થાઓ પાસેથી તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે ૨૦૦૦ રૂપિયાની બેંક નોટો સ્વીકારી રહી છે. ૩૦ ઓગસ્ટના રોજ કારોબાર બંધ થયો ત્યારે ૨૦૦૦ રૂપિયાની ૯૭.૯૬ % નોટો બેંકોમાં પાછી આવી છે.
દેશભરમાં ફેલાયેલા RBIના ૧૯ કેન્દ્રો પર ૨૦૦૦ રૂપિયાની નોટો જમા કરાવી શકાય છે.
આરબીઆઈના જણાવ્યા અનુસાર, લોકો તેમના બેંક ખાતામાં રકમ જમા કરાવવા માટે દેશની કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી ૨૦૦૦ રૂપિયાની નોટ રિઝર્વ બેંકની કોઈપણ ઈસ્યુ ઓફિસમાં મોકલી શકે છે. RBIની ૧૯ ઓફિસો જે નોટો જમા કરે છે અથવા બદલી આપે છે તે અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં છે. .
હકીકતમાં, નવેમ્બર ૨૦૧૬ માં ૧,૦૦૦ અને ૫૦૦ રૂપિયાની બેંક નોટોને ચલણમાંથી હટાવ્યા બાદ, સરકારે ૨,૦૦૦ રૂપિયાની નવી બેંક નોટોનું સર્ક્યુલેશન શરૂ કર્યું હતું. આ પછી આરબીઆઈએ ૧૯ મે ૨૦૨૩ના રોજ ૨૦૦૦ રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી.