ધુળેટીના દિવસે ફૂટ્યો ‘કોરોના બોમ્બ’, મહારાષ્ટ્ર-ગુજરાત સહિત આ 8 રાજ્યોમાં સ્થિતિ ચિંતાજનક

દેશભરમાં આજે ધુળેટીની ઉજવણીનો માહોલ છે પરંતુ આ દરમિયાન કોરોનાની દહેશત અને પ્રકોપના કારણે ઠેર ઠેર પ્રતિબંધો પણ લાગુ છે. આમ છતાં આજે કોરોનાના 68 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 291 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ મહારાષ્ટ્રની છે. મહારાષ્ટ્ર સહિત 8 રાજ્યો એવા છે જ્યાં કોરોનાના કુલ નવા કેસમાંથી 84.5 ટકા જેટલા કેસ નોંધાયા છે.

 

નવી દિલ્હી: દેશભરમાં આજે ધુળેટીની ઉજવણીનો માહોલ છે પરંતુ આ દરમિયાન કોરોના (Corona Virus) ની દહેશત અને પ્રકોપના કારણે ઠેર ઠેર પ્રતિબંધો પણ લાગુ છે. આમ છતાં આજે કોરોનાના 68 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 291 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ મહારાષ્ટ્રની છે. મહારાષ્ટ્ર સહિત 8 રાજ્યો એવા છે જ્યાં કોરોનાના કુલ નવા કેસમાંથી 84.5 ટકા જેટલા કેસ નોંધાયા છે.

એક દિવસમાં 68 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68,020 જેટલા નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ કેસનો આંકડો 1,20,39,644 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,13,55,993 લોકો રિકવર થયા છે. જ્યારે 5,21,808 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાથી 291 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 1,61,843 પર પહોંચ્યો છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 6,05,30,435 લોકોને રસી આપવામાં આવી છે.

આ 8 રાજ્યોમાં પરિસ્થિતિ ખરાબ
સરકારના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્ર સહિત આઠ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ કથળેલી છે. જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, મધ્ય પ્રદેશ, ગુજરાત, કેરળ, તામિલનાડુ અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. કોરોનાના કુલ જે નવા કેસ નોંધાય છે તેમાંથી 84.5 ટકા નવા કેસ આ આઠ રાજ્યોમાંથી આવે છે.  એમાં પણ 80 ટકા એક્ટિવ કેસ તો મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, અને છત્તીસગઢ એમ આ પાંચ રાજ્યોમાં જોવા મળી રહ્યાં છે.

બેંગ્લુરુના એક પબમાં 16 કર્મચારીઓને કોરોના
બેંગ્લુરુના એક પબમાં કુલ 87 કર્મચારીઓમાંથી 16 કર્મચારીઓને કોરોના નીકળ્યો છે. ઉત્તર બેંગ્લુરુમાં બેલ રોડ પર આવેલા 1522 પબને આટલી મોટી સંખ્યામાં કોરોનાના કેસ નીકળતા બંધ કરી દેવાયું છે.

ગુજરાતમાં સ્થિતિ 
રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ વધ્યું છે. રવિવારે રાજ્યના વિવિધ જિલ્લામાં કોરોનાના કુલ 2270 કેસ નોંધાયા. બીજી તરફ 1605 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,84,846 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર ઘટીને 94.68 ટકા પર પહોંચ્યો છે. એક દિવસમાં 8 લોકોના કોરોનાથી મૃત્યુ નિપજ્યા છે.

મહારાષ્ટ્રમાં વિકટ પરિસ્થિતિ
કોરોના વાયરસના સંક્રમણે મહારાષ્ટ્રમાં કહેર મચાવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 40 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને  2,71,3, 875 થઈ ગઈ છે. તો પ્રદેશમાં કોરોનાના કારણે વધુ 108 લોકોના મૃત્યુ થયા છે. બીજીતરફ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આવનારા દિવસોમાં રાજ્યમાં લૉકડાઉન લગાવવાની તૈયારી કરવાનું કહ્યું છે, જેથી સંક્રમણને રોકી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *