પાણી ગંદુ અને દૂષિત હશે તો પાણીજન્ય બીમારી થાય છે. ચોમાસામાં ઘરે નળમાં ગંદુ પાણી આવવાની સમસ્યા વધી જાય છે. અહીં પ્રદુષિત પાણી ઓળખવાની અને ઉકેલની સરળ ટીપ્સ આપવામાં આવી છે.
પાણી શરીર માટે જરૂરી છે. એક વ્યક્તિએ દરરોજ ૬ થી ૮ લીટર પાણી પીવું જોઇએ. જો કે પીવાનું પાણી ચોખ્ખું હોવું જરૂરી છે. જો ગંદુ પાણી પીવામાં આવે તો કોરેલા, ટાઇફોડિયા જેવી પાણીજન્ય બીમારી થાય છે. ખાસ કરીને ચોમાસાની સીઝનમાં પાણીજન્ય રોગ વધી જાય છે, કારણે ચોમાસામાં ગંદા પાણીની સમસ્યા હોય છે. ઘરના નળમાં આવતું પાણી ડોહળું કે ગંદુ હોય તો આવું પાણી પીવું આરોગ્ય માટે નુકસાનકારક બની શકે છે. અહીં ટીપ્સ આપવામાં આવી છે, જેના વડે ઘરે બેઠા ચકાસી શકો છો કે, તમારા ઘરનું પાણી પીવાલાયક છે કે નહીં
ફિલ્ટરની સફાઈ કરવી
પાણીની શુદ્ધતા જાળવી રાખવા માટે માત્ર વોટર પ્યુરિફાયરનો ઉપયોગ કરવો જ પૂરતો નથી. આ માટે સમયાંતરે વોટર ફિલ્ટર્સ સાફ કરવું જરૂરી છે.
નળ સાફ રાખો
ઘણા લોકો ઘરના નળમાં આવતા પાણીનો પીવા માટે ઉપયોગ કરતા હોય છે. આથી ઘરના નળ સાફ સ્વચ્છ રાખવા જોઇએ. પાણીના નળ અને પાણીની ટાંકી સમયાંતરે સાફ કરો. ઉપરાંત પીવાના પાણી ભરવાના વાસણ અને માટલા, ટાંકી સ્વચ્છ રાખો અને હંમેશા ઢાંકીને રાખો અને તેમાં વધુ દિવસો સુધી પાણી ન રાખો.
પાણી ઉકાળીને પીવો
જો બીમારીની સીઝન ચાલી રહી હોય તો પાણીને ઉકાળો પીવો અને ખાસ કરીને ચોમાસામાં. ઉકળવાથી પાણીમાં રહેલા મોટાભાગના રોગકારક જીવાણુઓ મરી જાય છે. તેનાથી બીમારીનો ખતરો ઓછો થઈ શકે છે.
પાણી પીવા લાયક છે કે નહીં? આ રીતે જાણો
ઘરના નળમાં આવતું પાણી પીવા લાયક છે કે તે જાણવાની ઘણી સરળ રીત છે. પ્રદુષિત પાણીને ઓળખવાની સરળ ટીપ્સ
ગંધ
પાણી પીતા પહેલા તેને હંમેશા સુંઘવાનો પ્રયત્ન કરો. જો તમને તેમાં થોડી ગંધ આવે તો આ પાણી પીવાનું ટાળો. શુદ્ધ પાણીમાં વાસ આવતી નથી.
ટીડીએસ મશીન
તમે તમારા ઘરમાં ટીડીએસ મશીન રાખી શકો છો. આ મશીન પાણીની શુદ્ધતા ચકાસવામાં ખૂબ મદદરૂપ થાય છે, તેમજ બજારમાં સસ્તા ભાવે મળે છે. મશીન થર્મોમીટર જેવું દેખાય છે, તેને પાણીમાં નાખીને જોવામાં આવે છે, જો આ સમય દરમિયાન પાણીનું સ્તર ૧૦૦-૨૫૦ પાર્ટ્સ પ્રતિ મિલિયન હોય તો તેને પીવાલાયક અને શુદ્ધ માનવામાં આવે છે.
લિટમસ પેપર
તમે લિટમસ પેપર વડે શુદ્ધ પાણીને પણ ઓળખી શકો છો. આ માટે, લિટમસ પેપરને પાણીમાં બોળવાનો પ્રયાસ કરો. પાણીની પ્રકૃતિ તટસ્થ હોય છે. આ કિસ્સામાં, લિટમસ પેપર પર તેનું માપ ૭ અથવા ૭ થી ૮ વચ્ચે હોવું જોઈએ. જો આમ ન હોય તો પણ આ પાણી પીવાનું ટાળો. લિટમસ પેપર પણ ખૂબ જ સસ્તા ભાવે બજારમાં ઉપલબ્ધ છે.
પીવાના પાણી મામલે આ ખાસ વાતોને ધ્યાનમાં રાખીને તમે ખરાબ પાણી પીવાથી બચી શકો છો અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો.
(Disclaimer: આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લેવી.)