પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામિણ ના નિયમ, શરતોમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. તો જોઈલો કયા લોકો આ યોજનાનો લાભ હવે લઈ શકશે.
મોદી સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં શરતોમાં ફેરફાર કર્યો છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY G) ના ‘ઓટોમેટિક એક્સક્લુઝન’ ધોરણોને થોડા હળવા કર્યા છે. નવા નિયમો હેઠળ ટુ-વ્હીલર, મોટરાઇઝ્ડ ફિશિંગ બોટ, રેફ્રિજરેટર, લેન્ડલાઇન ફોન ધરાવતા અને મહિને ૧૫,૦૦૦ રૂપિયા સુધીની કમાણી ધરાવતા પરિવારો હવે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણનો લાભ મેળવી શકશે.
જેઓ મોટરચાલિત થ્રી અને ફોર વ્હીલર વાહનો ધરાવે છે, મિકેનાઇઝ્ડ થ્રી/ફોર વ્હીલર કૃષિ સાધનો ધરાવે છે, રૂ. ૫૦,૦૦૦ કે તેથી વધુની ક્રેડિટ મર્યાદા ધરાવતા કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો, એવા પરિવારો કે જેમાં કોઈ પણ સભ્ય સરકારી કર્મચારી હોય, પરિવારો જેમાં એક સભ્ય પણ આવકવેરો ચૂકવે છે, જે પરિવારો બિન-કૃષિ સાહસ સરકારમાં નોંધાયેલા છે, વ્યવસાયિક કર ચૂકવે છે, ૨.૫ એકર અથવા તેથી વધુ સિંચાઈવાળી જમીનની માલિકી મર્યાદા ધરાવતા પરિવારો આ યોજના હેઠળ અયોગ્ય રહેશે, એટલે કે આપો આપ બાકાત રહેશે.
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે દેશના વિવિધ રાજ્યોના ગ્રામીણ વિકાસ મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગમાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના (ગ્રામીણ) સંબંધિત ધોરણોમાં સુધારા અંગે માહિતી આપી હતી. તેમણે એમ પણ કહ્યું કે, પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના ગ્રામીણ હેઠળ જમીન સંબંધિત ધોરણોને પણ તર્કસંગત બનાવવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના ગ્રામીણ હેઠળ, પાક્કી છત અને/અથવા પાક્કી દિવાલોવાળા મકાનોમાં રહેતા તમામ પરિવારો અને બેથી વધુ ઓરડાઓવાળા મકાનોમાં રહેતા પરિવારોને પહેલાથી જ ફિલ્ટર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર ગ્રામીણ આવાસ યોજના હેઠળ વર્ષ ૨૦૨૮-૨૯ સુધીમાં બે કરોડ વધારાના મકાનો બનાવવા માંગે છે.