ગણેશોત્સવમાં પ્રસાદ લીધા બાદ લથડી તબિયત.
જામનગરમાં નાના બાળકો ફુડ પોઈઝોનનો શિકાર બન્યા છે. મોડી રાત્રે અંદાજીત ૧૦૦ જેટલા ભૂલકાઓને ભાત આરોગ્યા બાદ ફૂડ પોઈઝોન થયું હોવાનું જાણવા મળ્યું હતું. જામનગર શહેરના હાપા વિસ્તારમાં એલગન સોસાયટી વિસ્તારમાં ગણેશ મહોત્સવમાં ગત રાત્રે મસાલા ભાતની પ્રસાદી લીધા બાદ મોડી રાત્રે ૧૦૦ જેટલા માસુમોને ઝાડા ઉલટી થયા હતા. જેથી તેમને પ્રાથમિક તપાસ માટે જી.જી.હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. તમામ બાળકોને સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાંથી મોડી રાત્રે ડીસચાર્જ કરવામાં આવ્યા હતા.
એક પછી એક ફૂડ પોઈઝનિંગના કેસ આવતા હાપા વિસ્તારમાં ચકચારી મચી જવા પામી હતી. પરિસ્થિતિ એવી વિકટ બની હતી કે, ખાસ કરીને પીડિયાટ્રીક વોર્ડમાં મોટી સંખ્યામાં બાળકોને દાખલ કરાતા બેડ પણ ઓછા પડ્યા હતા. કેટલાક બાળકોને જમીન પર સારવાર લેવાની ફરજ પડી હતી. આ ઘટના બાદ હોસ્પિટલમાં દોડધામની સ્થિતિ સર્જાઈ હતી અને વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા થયા હતા.
ઘટનાની જાણ થતાં જામનગર સમસ્ત તળપદા કોળી સમાજના પ્રમુખ હિતેષ બાંભણિયા તથા કોર્પોરેટર જીતેન્દ્ર શિંગાળા સહિત મોટી સંખ્યમાં લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.