શુક્રવારે અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ શહેરના અનેક વિસ્તારમાં હળવાથી લઈ ભારે વરસાદી ઝાપટાં પડયા હતા.સવારના ૦૬:૦૦ થી રાત્રિના ૦૯:૦૦ કલાક સુધીમાં નરોડા અને મણિનગરમાં સવા ઈંચથી વધુ વરસાદ વરસી પડયો હતો.વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં કરવામાં આવેલા ગણેશ આયોજનો ઉપર અસર વર્તાઈ હતી.આયોજનના સ્થળે વરસાદી પાણી ભરાયા હતા.રામોલ, મેમ્કોમાં એક ઈંચ કરતા વધુ વરસાદ થતા રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા.શહેરમાં સરેરાશ ૧૦.૩૨ મિલીમીટર વરસાદ થતા મોસમનો ૩૬.૬૯ ઈંચ વરસાદ થવા પામ્યો હતો.
શુક્રવારે રાત્રિના સુમારે વાતાવરણમાં પલટો આવ્યા બાદ શહેરના ખાડીયા,રાયપુર, ખાનપુર સહિતના અનેક વિસ્તારમાં એકાએક વરસાદ વરસી પડતા અનેક વિસ્તારમાં કરવામાં આવેલા ગણેશ ઉત્સવના આયોજન ઉપર વરસાદની અસર જોવા મળી હતી.અનેક વિસ્તારમાં આયોજનના સ્થળે વરસાદી પાણી ભરાયા હતા.વાસણા બેરેજ ખાતે ૧૩૩ ફૂટ લેવલ નોંધાયુ હતુ. એનએમસીમાંથી ૮૬૩૯ કયૂસેક પાણીનો સંત સરોવરમાંથી ૪૫૯ કયૂસેક પાણીનો ઈનફલો નોંધાયો હતો.નદીમાં ૮૭૦૦ કયૂસેક તથા કેનાલમાં ૨૫૫ કયૂસેક પાણીનો આઉટફલો નોંધાયો હતો.બેરેજના ગેટ નંબર-૨૫, ૨૬, ૨૮ ત્રણ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા.
શહેરના કયા વિસ્તારમાં કેટલો વરસાદ
ઓઢવ ૧૫
રામોલ ૨૫
દાણાપીઠ ૧૨
મેમ્કો ૨૬
નરોડા ૩૦
મણિનગર ૩૦
વટવા ૨૨