કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેઈની ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યા કેસમાં જૂનિયર ડૉક્ટર્સ લાંબા સમયથી દેખાવો કરી રહ્યા છે. છેલ્લા ૩૩ દિવસથી ચાલતા દેખાવો બાદ આજે મમતા બેનરજી સાથે તેમની મુલાકાત થવાની હતી. એ પહેલા દેખાવકાર ડૉક્ટર્સ તરફથી ૫ માગણીઓ કરવામાં આવી હતી.
જૂનિયર ડૉક્ટર્સની આ છે ૫ મુખ્ય માગણી
૧- ટ્રેઈની ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યા પછી પુરાવાઓને “નષ્ટ” કરવા માટે જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરવામાં આવે અને તેમને સજા થાય.
૨- મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ.સંદીપ ઘોષ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
૩- કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલ અને આરોગ્ય સચિવ નારાયણ સ્વરૂપ નિગમના રાજીનામા લેવામાં આવે .
૪- સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે વધુ સારી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે.
૫- સરકારી આરોગ્ય સંસ્થાઓમાં “ધમકાવવાની સંસ્કૃતિ” નાબૂદ થાય.
મમતા બેનરજી મળવા પહોંચ્યા
છેલ્લા કેટલાક દિવસોથી જૂનિયર ડૉક્ટર્સને મનાવવા પ્રયાસ કરી રહેલા મમતા બેનરજી આજે આખરે તેમને મળવા પહોંચી ગયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે હું તમારા વિરોધને સલામ કરું છું. હું પણ એક વિદ્યાર્થી નેતા જ હતી. મમતા બેનરજી અને જૂનિયર ડૉક્ટર્સ વચ્ચેની આ બેઠકમાં સીએમ નિવાસે પ.બંગાળના મુખ્ય સચિવ મનોજ પંત, પ.બંગાળના ડીજી રાજીવ કુમાર, મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય પણ પહોંચ્યા હતા.
પ્રદર્શનકારી ડોક્ટરો સાથેની મીટિંગ પહેલા સીએમ મમતા બેનરજીના રાહ જોતાં ફોટાએ લોકોમાં ભારે ઉત્સુકતાં જગાવી હતી.