ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલીએ લઘુમતીઓ પર કરી હતી ટિપ્પણી.
ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈએ ભારત પર વિવાદિત નિવેદન આપ્યું હતું. જે બાદ ભારતે પણ ઈરાનને જડબાતોડ જવાબ આપ્યો છે કે બીજા દેશો પર ટીકા ટિપ્પણી કરતાં પહેલા પોતાનું ઘર સંભાળો.
ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈએ ભારતને મુસ્લિમ અધિકારોનું ઉલ્લંઘન કરતાં દેશોની યાદીમાં સામેલ કર્યો હતો. ભારતની સરખામણી મ્યાનમાર અને ગાઝા સાથે કરી. ખામેનેઈએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને દુનિયાભરના મુસ્લિમોને એક થવા આગ્રહ કર્યો હતો.
ભારતે પણ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ભારતનું નિવેદન જાહેર કર્યું છે. ભારતે કહ્યું છે, કે ‘અમે ઈરાનના સર્વોચ્ચ નેતાએ લઘુમતીઓ પર કરેલી ટિપ્પણીની ટીકા કરીએ છીએ. લઘુમતીઓ પર ટિપ્પણી કરતાં દેશોને સલાહ છે કે બીજા પર ટીકા ટિપ્પણી કરતાં પહેલા પોતાના રેકૉર્ડ જુએ.’
ભારતમાં ખામેનેઈના નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. કારણ કે ઈરાનમાં જ ઘણા વર્ષોથી મહિલાઓ પોતાના અધિકારો સંઘર્ષ કરી રહી છે. ઈરાનમાં સુન્ની મુસ્લિમો લઘુમતીમાં છે, તેમને મસ્જિદ જવાના અધિકારથી પણ વંચિત રાખવામાં આવે છે. આટલું જ નહીં સરકારી અને ધાર્મિક સંસ્થાઓમાં પણ ઈરાનમાં લઘુમતી સમુદાય સાથે ભેદભાવ કરવાના આરોપ છે.