કેપ્ટન હરમનપ્રીતે મદદ કરતા જુગરાજે ગોલ કરીને ઈતિહાસ રચાવ્યો.
એશિયન ચેમ્પિયન ટ્રોફી ૨૦૨૪ની ફાઈનલમાં ભારતીય હોકી ટીમે ચીનને ૧-૦ થી હરાવ્યું. મેચની શરુઆતમાં બંને ટીમ તરફથી કોઈ ગોલ કરવામાં આવ્યો નહોતો, ત્યાર બાદ અંતિમ પડાવમાં જુગરાજ સિંહે છેલ્લી મિનિટમાં ગોલ કરીને ભારતીય ટીમને પાંચમી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનું ગૌરવ અપાવ્યું છે.
સતત પાંચમી વખત ભારતીય ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. ચીને પહેલી વખત ફાઈનલ સુધી પહોંચ્યું હતું, પરંતુ પહેલી વખત ડ્રેગન ઘરભેગું થયું હતું. પહેલા ક્વાર્ટરમાં બંને ટીમ તરફથી એક પણ ટીમ એક પણ ગોલ કરી શકી નહોતી. ભારતીય ટીમે ગોલ કરવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમાં સફળતા મળી નોહતી. ભારતીય ટીમને એક તબક્કે બે પેનલ્ટી કોર્નર પણ મળ્યા હતાં. બીજા ક્વાર્ટરમાં બંને ટીમ તરફથી કોઈ ગોલ કરી શકી નહોતી. ચીનનું ડિફેન્સ મજબૂત રહ્યું હતું, જ્યારે ભારતીય ટીમનું આક્રમક પ્રદર્શન પણ કાબીલે દાદ આપનારું રહ્યું હતું.

ત્રીજા ક્વાર્ટરમાં ચીન તરફથી અનેક વખત આક્રમણ થયું હતું, પરંતુ ભારતીય ગોલકીપર કૃષ્ણા પાઠક આગળ કંઈ કરી શક્યા નહોતા. જોકે, આજની મેચમાં છેલ્લે છેલ્લે ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે મદદ કરતા છેલ્લી ઘડીએ જુગરાજ ગોલ કરવામાં સફળ રહ્યો હતો. જુગરાજે ૫૧મી મિનિટમાં ગોલ દાગીને ચીનને પરાસ્ત કરવામાં સિંહફાળો આપ્યો હતો. આ જીત સાથે ભારતીય ટીમને ગોલ્ડ મળ્યો છે, જ્યારે ચીનને સિલ્વર મેડર જીત્યો છે. બીજી બાજુ પાકિસ્તાન ત્રીજા ક્રમે રહ્યું છે. પાકિસ્તાને દક્ષિણ કોરિયાને ૫-૨ થી હરાવ્યું છે.
અહીં એ જણાવવાનું કે ભારતીય હોકી ટીમનું એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન રહ્યું હતું. લાગલગાટ તબક્કાવાર ધુરંધર ટીમોને હરાવી હતી. છેલ્લે સેમી ફાઈનલમાં ભારતીય ટીમે દક્ષિણ કોરિયાની ટીમને આક્રમક રીતે હરાવ્યું હતું. સેમી ફાઈનલની મેચમાં કોરિયાઈ ટીમ સામે હરમનપ્રીત સિંહ, ઉત્તમ સિંહ અને જરમનપ્રીત સિંહે ગોલ કર્યો હતો. કેપ્ટન હરમનપ્રીત સિંહે બે ગોલ કર્યાં હતા.