મહારાષ્ટ્રમાં કોરોનાથી સ્થિતિ બેકાબૂ થઈ રહી છે. રાજયમાં રવિવારે કોરોનાના રેકોર્ડ 40 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. આ કારણે સરકારની પણ ચિંતા વધી છે અને ફરી એક વખત મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉનની તૈયાર કરવામાં આવી રહી છે. કોરોના પર બનેલી ટાસ્ક ફોર્સે લોકડાઉનની ભલામણ પણ કરી દીધી છે. ત્યાર બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય સચિવ સીતારામ કુંટેને લોકડાઉનની સ્ટ્રેટેજી બનાવવા માટે જણાવ્યુ હતું.
CMએ કહ્યું- કલમ 144 અથવા કર્ફ્યૂથી કામ નહીં ચાલે
ઉદ્ધવે રવિવારે જણાવ્યુ હતું કે મહારાષ્ટ્રમાં કલમ 144થી કામ નાહી ચાલે. કર્ફ્યૂથી પણ કંઇ જ ફેર પડશે નહીં. હવે તો લોકડાઉન જ એકમાત્ર વિકલ્પ છે. ઉદ્ધવના આ નિવેદન બાદ માનવામાં આવી રહ્યું છે કે આગામી એક કે બે દિવસમાં મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાની જાહેરાત કરવામાં આવી શકે છે. મુખ્યમંત્રીએ હોસ્પિટલોમાં પથારીની સંખ્યાં ઓક્સીજન અને વેન્ટિલેટરની વ્યવસ્થા બાબતે અધિકારીઓએ પાસેથી માહિતી લીધી છે.
જ્યારે, હિંગોલી જીલ્લામાં રવિવારથી જ એક સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. આ 29 માર્ચ સવારે 7 વાગ્યાથી 4 એપ્રિલ બપોરે 12 વાગ્યા સુધી લાગુ રહેશે. જો કે, આ દરમિયાન જરૂરી સેવાઓ જેમ કે દૂધ, કરિયાણું, ફળ-શાકભાજીની દુકાનો અને મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે. આ ઉપરાંત ઔરંગાબાદમાં પણ 30 માર્ચની મધરાતથી 8 એપ્રિલ સુધી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોનાના કારણે પરંપરા રદ્દ કરવામાં આવી
આ તરફ, બીડ જિલ્લાના કેજ તાલુકાના વિદા ગામમાં છેલ્લા 80 વર્ષથી ચાલી રહેલ ગધેડાના પ્રદર્શનને આ વખતે રદ્દ કરી દેવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં એક ગધેડાને રંગ લગાવીને, તેના ગળામાં સેન્ડલનો હાર પહેરાવીને તેના ઉપર એક વ્યક્તિને બેસાડીને આખા ગામમાં ફેરવવામાં આવે છે. ગધેડા પર બેસનાર વ્યક્તિને સોનાની વીંટી અને નવા કપડાં ઈનામમાં આપવામાં આવે છે. જો કે જિલ્લા અધિકારીએ ગ્રામ પંચાયતના આગ્રહ કર્યો હોવા છતાં આ કાર્યક્રમને રદ્દ કરવાના આદેશ આપ્યા છે.