ચેન્નાઈ અન્ના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મંગળવારે મોડી રાત્રે એ સમયે હોબાળો મચી ગયો હતો જ્યારે દુબઈ જવા માટે તૈયાર અમીરાત એરલાઈન્સની ફ્લાઈટના એન્જિનમાંથી અચાનક ભારે ધુમાડો નીકળવા લાગ્યો હતો. તે સમયે ૩૨૦ મુસાફરો ફ્લાઈટમાં ચઢવાની તૈયારી કરી રહ્યા હતા. એન્જીનમાંથી ધુમાડો નીકળતાની સાથે જ તમામ મુસાફરોને તાત્કાલિક રોકી દેવામાં આવ્યા હતા અને એરપોર્ટ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડને સ્થળ પર મોકલવામાં આવી હતી.
ફ્યુલ ઓવરફિલિંગના લીધે દુર્ઘટના
જો કે ફાયર બ્રિગેડની ટીમેકહ્યું કે એન્જિનમાં કોઈ પ્રકારની આગ લાગી ન હતી. તેના બાદ સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનાની પ્રારંભિક તપાસમાં ધુમાડાનું કારણ ગરમ એન્જિન સુધી પહોંચતુ ફ્યુલ ઓવરફિલિંગ માનવામાં આવે છે. અકસ્માતની વ્યાપક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આગ લાગવાના ડરથી સ્ટાફમાં ગભરાટ
આ ઘટના ચેન્નાઈથી દુબઈ જતી અમીરાત એરલાઈન્સની ફ્લાઈટ EK૫૪૭માં થઇ હતી. આ બોઇંગ ૭૭૭-૩૦૦ ફ્લાઇટ નિર્ધારિત સમયપત્રક મુજબ રાત્રે ૦૯:૫૦ કલાકે ઉપડવાની હતી. આ માટે મુસાફરો વિમાનમાં બેસે તે પૂર્વે એન્જિનમાં રિફ્યુઅલ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અચાનક જ પ્લેનના એન્જિનમાંથી કાળો ધુમાડો નીકળવા લાગ્યો. ધુમાડાના ગોટેગોટા જોઈને એન્જિનમાં આગ લાગવાના ડરથી સ્ટાફમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. કારણ કે જો આગ લાગશે તો ત્યાં પાર્ક કરેલા અન્ય પ્લેન પણ તેની ઝપેટમાં આવી શકે છે. જો કે આ ધુમાડો ફ્યુલ ઓવરફિલિંગના લીધે નીકળ્યો હોવાનું માનવામાં આવે છે. જેના પગલે એરપોર્ટ સ્ટાફ અને લોકોએ રાહતનો અનુભવી હતી.