સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો બુધવારને ૨૫ સપ્ટેમ્બરના રોજ સવારના ૦૬:૦૦ થી રાતના ૦૮:૦૦ વાગ્યા સુધીમાં ૯૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે.
ગુજરાત રાજ્યમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો બુધવારને ૨૫ સપ્ટેમ્બરના રોજ સવારના ૦૬:૦૦ થી રાતના ૦૮:૦૦ વાગ્યા સુધીમાં ૯૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે સુરતમાં ૨.૮૩ ઇંચ વરસાદ વરસ્યો છે.
બુધવારે રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સુરત ૨.૮૩ ઇંચ, વડોદરા ૨.૫૬ ઇંચ, ઉમરપાડા ૨.૫૬ ઇંચ, ગણદેવી ૨.૦૫ ઇંચ, સુરતના માંડવીમાં ૧.૯૭ ઇંચ, પ્રાંતિજ ૧.૮૯ ઇંચ, નવસારી ૧.૬૯ ઇંચ, બારડોલી અને સોજિત્રા ૧.૩૮ ઇંચ, નિઝર ૧.૨૬ ઇંચ, સાવલી ૧.૧૮ ઇંચ, કુકરમુંડા અને કાંવટમાં ૧.૦૨ ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય ૮૫ તાલુકામાં ૧ થી લઇને ૨૫ મીમી સુધી વરસાદ વરસ્યો છે.
૨૬ સપ્ટેમ્બરે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૨૬ સપ્ટેમ્બરની વાત કરવામાં આવે તો વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી રેડ એલર્ટ સામે અંત્યત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, નવસારી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા સુરત અને તાપીમાં યલ્લો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.
વડોદરામાં પવનના કારણે અનેક જગ્યા પર વૃક્ષ અને બેનર ધરાશાયી
વડોદરા શહેરમાં મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવનના કારણે અનેક જગ્યા પર વૃક્ષ અને બેનર ધરાશાયી થયા છે. વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સેન્ટરની ૧૨ ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. વૃક્ષ અને બેનર પડવાના ૮૦ જેટલા કોલ મળ્યા છે.