નવા ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ, જાહેરનામું પ્રસિદ્ધ
ઇકો-સેન્સીટીવ ઝોનમાં ઘટાડો થવાથી સ્થાનિકે અન્ય વિકાસલક્ષી પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે : મુળુભાઈ બેરા
એક માત્ર ગીર અભ્યારણ્યમાં જ જોવા મળતાં ‘એશિયાઈ સિંહોની સંખ્યામાં વધારો થતા હવે ડાલામથ્થા સાવજો છેક રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લા સુધી પહોંચી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ‘ગીર રક્ષિત વિસ્તાર’ના આજુબાજુનો કુલ ૧,૮૪,૪૬૬.૨૦ હેક્ટર વિસ્તારને ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી ૧૦ કિલોમીટરની હદ ઇકો-સેન્સીટીવ ઝોન તરીકે ગણાતો હતો પરંતુ નવા જાહેરનામા મુજબ અભયારણ્યથી જાહેર થયેલ ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્તારનું અંતર બાબતે સૌથી ઓછામાં ઓછુ ૨.૭૮ કિ.મી. અને વધુમાં વધુ ૯.૫૦ કિ.મી. રાખવામાં આવ્યું છે. તેમ,વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું.
વન મંત્રી મુળુભાઈએ કહ્યું હતું કે, નવીન ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ વિસ્તારમાં કુલ ૧૭ નદીઓના રીવર કોરીડોર અને સિંહોના અવર-જવર વાળા ૪ મહત્વના કોરીડોરને આવરી લેવામાં આવશે. વધુમાં ગીર રક્ષીત વિસ્તારની આજુબાજુ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, વિસાવદર, માળીયા હાટીના અને મેંદરડા તાલુકાના મળી કુલ-૫૯ ગામો, અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મળી કુલ-૭૨ ગામો તથા ગીર-સોમનાથ જિલ્લાના ઉના, ગીર-સોમનાથ, કોડીનાર અને તાલાલા તાલુકાના મળી કુલ-૬૫ ગામો એમ આ ત્રણેય જિલ્લાના કુલ-૧૯૬ ગામોના ૨૪,૬૮૦.૩૨ હેક્ટર વન વિસ્તાર તથા ૧,૫૯,૭૮૫.૮૮ હેક્ટર બિન-જંગલ વિસ્તાર એમ મળી કુલ ૧,૮૪,૪૬૬.૨૦ હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે. આ વિસ્તારનો ઇકો-સેન્સિટિવ ઝોનમાં સમાવેશ થવાથી આ વિસ્તારમાં વિહરતા સિંહ પરિવારોને વિશેષ રક્ષણની સાથે અત્યાર સુધી ગીર રક્ષીત વિસ્તારની હદથી ૧૦ કિલોમીટરની ઇકો-સેન્સીટીવ ઝોન વિસ્તારની હદમાં આ નવા ઇકો-સેન્સીટીવ ઝોનમાં ઘટાડો થવાથી સ્થાનિકે અન્ય વિકાસલક્ષી પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે તેમ, તેઓએ ઉમેર્યું હતું.
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં સિંહ અને વન્યપ્રાણીઓ માટે ગીર નેશનલ પાર્ક, ગીર, પાણિયા અને મિતિયાળા અભયારણ્યનો કુલ-૧,૪૬૮.૧૬ ચો.કિ.મી. વિસ્તાર આરક્ષિત કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર અને નામદાર સુપ્રિમકોર્ટની ગાઇડલાઇન-નિયમ મુજબ આ રક્ષિત વિસ્તારની ફરતે ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર કરવાનો થતો હોય છે, જે રક્ષિત વિસ્તારને ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર ન થાય ત્યાં સુધી ગાઇડલાઇન મુજબ રક્ષિત વિસ્તારની ફરતે ૧૦ કિ.મી. ઇકો-સેન્સિટિવ ઝોન અમલમાં રહે છે. જેથી અત્યાર સુધી આ વિસ્તારને ફરતે ૧૦ કિ.મી. સુધી ઇકો-સેન્સિટિવ ઝોન અમલમાં હતો. સિંહોના રક્ષણ માટે ગીર નેશનલ પાર્ક, ગીર, પાણિયા અને મિતિયાળા અભયારણ્યના ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવાની રાજ્યના વન વિભાગ દ્વારા કેન્દ્ર સરકારને દરખાસ્ત સાદર કરવામાં આવેલ હતી. આ દરખાસ્તને ગ્રાહ્ય રાખી ભારત સરકાર દ્વારા તાજેતરમાં ઇકો-સેન્સિટિવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
ઇકો સેન્સેટિવ ઝોન ઘટાડો સિંહો માટે ઘાતક
એક માત્ર ગીર અભ્યારણમાં જ જોવા મળતા સિંહોની વસ્તીમાં પાછલા વર્ષોમાં સતત વધારો થઇ રહ્યો હોવાથી રાજ્યમાં ૨૦૨૦ ની ગણતરી અનુસાર સિંહની સંખ્યા ૬૭૪ ઉપર પહોંચી છે ત્યારે જંગલ વિસ્તાર ટૂંકો પડતા ડાલામથ્થા સાવજો સેંકડો કિલોમીટરનું અંતર કાપી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને રાજકોટ જિલ્લામાં ગોંડલ સુધી પહોંચતા હોવાના અનેક બનાવો સામે આવ્યા છે એ જ રીતે પોરબંદર પંથકમાં પણ ડાલામથ્થાંની ડણકો સંભળાઈ રહી છે ત્યારે ઇકો સેન્સેટિવ ઝોનમાં ઘટાડો થતા જંગલ વિસ્તાર નજીક જ હોટેલ, રિસોર્ટ સહિતની ટુરિઝમ પ્રવૃત્તિ વધવાથી સિંહો માટે ભવિષ્યમાં મુશ્કેલીઓ ઉભી થશે તેવી ચિંતા પર્યાવરણવિદો વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં ગીર અભ્યારણમાં ૨૦૨૦ની ગણતરી મુજબ ૬૭૪ સિંહ વસવાટ કરી રહ્યા છે જેમાં અંદાજે માદાની સંખ્યા ૩૦૯ છે, નરની સંખ્યા ૨૦૬ છે, બચ્ચાની સંખ્યા ૨૯ છે અને જે સિંહોની ઓળખ થઇ શકી નથી તેવાની ૧૩૦ સંખ્યા નોધાઇ છે. વર્ષ ૨૦૧૫ માં સિંહોની ગણતરી કરવામાં આવી હતી તેની સરખામણીએ વર્ષ ૨૦૨૦ ની વસ્તી ગણતરીમાં સિંહોની સંખ્યામાં ૧૫૧ નો વધારો થયો છે. વર્ષ ૨૦૧૫ માં સિંહની સંખ્યા ૫૨૩ હતી.