ઈઝરાયલે દક્ષિણ લેબનાન પર રોકેટ મારો કરીને યુદ્ધનો નવો મોરચો ખોલી દીધો છે, ઇઝરાયલ ટૂંક સમયમાં જમીન માર્ગે લેબનાન પર હુમલો કરે તેવી શક્યતા છે. અનેક દેશોએ લેબનાનમાં રહેતા તેમના નાગરીકોને દેશ છોડી દેવા અપીલ કરી છે. ભારત સરકાર પણ સ્થિતિ પર નજર રાખી રહી છે, ભારતે પોતાના નાગરિકોને લેબનોન છોડવાની સલાહ આપી છે, વિદેશ મંત્રાલયે ભારતીયોને લેબનાન ન જવા અપીલ કરી છે.
મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે, બેરૂતમાં ભારતીય દૂતાવાસે બુધવારે એક ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરીને ભારતીય નાગરિકોને અત્યંત સાવધાની રાખવા વિનંતી કરી હતી અને લેબનોનની મુસાફરી ન કરવાની સલાહ આપી હતી. ટ્વિટર પરની એક પોસ્ટમાં, ભારતીય દૂતાવાસે ૧ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ જાહેર કરાયેલ તેની અગાઉની એડવાઈઝરીની પુષ્ટિ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે તાજેતરની ઘટનાઓને કારણે લેબનોનમાં પરિસ્થિતિ વધુને વધુ અસ્થિર બની રહી છે.
બેરુતમાં ભારતીય દૂતાવાસે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “૧ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ જાહેર કરવામાં આવેલી એક એડવાઈઝરી અને આ ક્ષેત્રમાં તાજેતરના ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ લેબનોનનો પ્રવાસ ન કરે. લેબનોનમાં પહેલેથી જ હાજર તમામ ભારતીય નાગરિકોને પણ લેબનોન છોડવાની સલાહ આપવામાં આવે છે.”