ઘનશ્યામ સુદાણીએ સોમનાથ મહાદેવના આશીર્વાદ લીધા બાદ પોતાની દોડની શરૂઆત કરી હતી.
ગીર-સોમનાથ માં દોડવીર ઘનશ્યામ સુદાણી દ્વારા સોમનાથથી અયોધ્યા રામમંદિર સુધી 21 દિવસની મેરેથોન દોડની આજે શરૂઆત કરવામાં આવી છે. આ મેરેથોનમાં 1,800 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે. ઘનશ્યામ સુદાણી 21 દિવસ સુધી સતત દોડીને અયોધ્યા પહોંચશે. આ માટે દોડવીર ઘનશ્યામ સુદાણી દરરોજ 90 કિલોમીટર જેટલી દોડ લગાવશે. આ એજ ઘનશ્યામ સુદાણી છે જેણે ગત 72મા પ્રજાસત્તાક દિવસ પર ફીટ ઇન્ડિયાના મેસેજ સાથે સતત 72 કિલોમીટરની દોડ લગાવી હતી. ઘનશ્યામ સુદાણી અત્યારસુધી અનેક દોડ લગાવી ચૂક્યો છે.
પોતાની મેરેથોન શરૂ કરતા પહેલા ઘનશ્યામ સુદાણીએ સોમનાથ મહાદેવના આશીર્વાદ લીધા : બાદમાં પોતાની દોડની શરૂઆત કરી હતી. આજે સવારે સોમનાથ ટ્રસ્ટે લીલીઝંડી આપીને મેરેથોન દોડની શરૂઆત કરાવી . રામ મંદિર નિર્માણને લઈ દેશભરમાં એકતા અને અખંડિતતા જળવાય રહે તેવા ઉમદા હેતુ સાથે ઘનશ્યામ સુદાણી ધ્વારા આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે.
કોણ છે ઘનશ્યામ સુદાણી?
ઘનશ્યામ સુદાણી મૂળ ગીરના પીપળવા ગામના વતની છે. તેને ગુજરાતના મિલ્ખાંસિંઘ કહેવામાં આવે છે. કોરોના કાળ દરમિયાન તેણે ફીટ રહેવા માટે 42 કિલોમીટરની ચેલેન્જ લીધી હતી. એટલે કે તે દરરોજ 42 કિલોમીટર દોડતો હતો. છેલ્લા ત્રણેય વર્ષથી તે અમદાવાદ ખાતે સ્થાયી થયો છે. ઘનશ્યામ સુદાણીનું સપનું ઇન્ટરનેશનલ રનર બનવાનું છે. અમદાવાદ ખાતે ઘનશ્યામ સુદાણી સવારના સમયે દરરોજ ચારથી પાંચ કલાક દોડે છે. તે દરરોજ ચાર હજાર કેલરી બર્ન કરે છે. તેઓ ખોરાકમાં કેળા અને બાજરીના રોટલા લે છે.