એફબીઆઇએ આપેલા રિપોર્ટના આધારે સમગ્ર દેશમાં સીબીઆઇની દરોડાની કાર્યવાહી કરવામાં આવી,
૩૦ વધુ શંકાસ્પદ યુવકોની અટકાયત કરીને કોમ્પ્યુટર , લેપટોપ, મોબાઇલ ફોન, ડાયરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.
અમેરિકાના નાગરિકોને ભારતમાંથી કોલ કરીને છેતરપિંડી કરવાના મામલે ફેડરેશન બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (એફબીઆઇ) દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જે અનુંસધાનમાં સીબીઆઇએ દેશમાં એક સાથે ૩૫૦ જેટલા સ્થળો પર દરોડાની કાર્યવાહી કરી હતી. જે અનુસંધાનમાં અમદાવાદમાં ૨૦ જેટલા કોલ સેન્ટર દરોડા પાડીને ૩૦ જેટલા વ્યક્તિઓની અટકાયત કરીને પુછપરછ શરૂ કરવામાં આવી છે.
દેશના હૈદરાબાદ, મુંબઇ, કોલકત્તા, દિલ્હી, બેંગાલુરૂ અને અમદાવાદ સહિતના શહેરોમાં ચાલતા કોલ સેન્ટરથી અમેરિકામાં કોલ કરીને નાગરિકો પાસેથી મોટા પ્રમાણમાં છેતરપિંડી કરવામાં આવતી હોવાના કિસ્સા અંગે એફબીઆઇએ ભારત સરકારને રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં એફબીઆઇએ ટેકનીકલ એનાલીસીસના આધારે કેટલાંક લોકેશન અને વિગતો આપી ગતી. જેના આધારે સીબીઆઇની ટીમ દ્વારા છેલ્લાં એક મહિના દરમિયાન ટેકનોલોજીના ઉપયોગથી સમગ્ર દેશમાં ૩૫૦ જેટલા ગેરકાયદેસર કોલ સેન્ટરના લોકેશન મેળવ્યા હતા.
અમદાવાદમાં ૨૦ થી વધુ કોલ સેન્ટર સક્રિય હોવાની બાતમીને આધારે વસ્ત્રાલ, ઓઢવ પાસેના રીંગ રોડ, થલતેજ, ગોતા, બોપલ સહિતના વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી કરી હતી. જેમાં ૩૦ વધુ શંકાસ્પદ યુવકોની અટકાયત કરીને કોમ્પ્યુટર , લેપટોપ, મોબાઇલ ફોન, ડાયરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જે અંગે તપાસ કરવા માટે સીબીઆઇના ગુજરાત એકમની વિશેષ ટીમને સક્રિય કરવામાં આવી છે.