સોમવારે સુપ્રીમ કોર્ટમાં તિરુપતિ લાડુ વિવાદ પર સુનાવણી કરવામાં આવી હતી. આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશ સરકારને ફટકાર લગાવી હતી અને તેમની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે તિરુપતિ મંદિરના પવિત્ર પ્રસાદમાં ઘીની ગુણવત્તા અંગે પ્રેસમાં નિવેદન આપવાની શું જરૂર હતી. જ્યારે લાડુ બનાવવામાં ભેળસેળયુક્ત કે દૂષિત ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. કોર્ટે કહ્યું હતું કે કમ સે કમ ભગવાનને તો રાજકારણથી દૂર રાખવા જોઈએ. ભગવાન સાથે જોડાયેલી બાબતોમાં કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ.
ગયા અઠવાડિયે એક પ્રેસ કોન્ફરન્સમાં આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુએ તિરુપતિ મંદિરમાંમળતા લાડુમાં પશુઓની ચરબી, માછલીનું તેલ જેવી વસ્તુઓનો ઉપયોગ થયો હોવાનો મીડિયા સમક્ષ આક્ષેપ કર્યા બાદ ભારે હોબાળો થયો હતો. સમગ્ર દેશમાં આ મુદ્દે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. આ માટે રાજ્યની અગાઉની વાયએસઆર કોંગ્રેસ સરકારને જવાબદાર ગણવામાં આવી હતી. મુખ્ય પ્રધાને લેબનો રિપોર્ટને ટાંકીને આ માહિતી આપી હતી. ત્યાર બાદ આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. આ મુદ્દાની સુનાવણી કરતા કોર્ટની બે જજની બેન્ચે આંધ્રપ્રદેશ સરકારને સ્પષ્ટ કર્યું હતું કે આવા મુદ્દે મુખ્ય પ્રધાન મીડિયા સમક્ષ આવીને નિવેદન આપે તે બિલ્કુલ યોગ્ય નથી.
રાજ્ય સરકાર તરફથી ઉપસ્થિત રહેલા વકીલે કોર્ટને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ખાનગી વિક્રેતા પાસેથી ઘી લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યાર બાદ લોકો તરફથી લાડુની ગુણવત્તા અંગે ફરિયાદ ઉઠી હતી. અમે ટેન્ડરરને કારણદર્શક નોટિસ પણ આપી છે. આના જવાબમાં જજે સામો પ્રશ્ન કર્યો હતો કે લાડુ માટે વાપરવામાં આવતું ઘી માપદંડોને અનુરૂપ નથી? ત્યારે વકીલે જણાવ્યું હતું કે ઘીના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ત્યાર બાદ જજે કહ્યું હતું કે તો પછી તરત જ પ્રેસમાં જવાની શું જરૂર હતી? ધાર્મિક ભાવનાઓનું સન્માન કરવું જોઈએ.
સુપ્રીમ કોર્ટે મુખ્ય પ્રધાન નાયડુના નિવેદન પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને ગુસ્સે થઇને કહ્યું હતું કે તેમણે ઘીની ગુણવત્તાનો જે રિપોર્ટ જાહેર કર્યો છે તે જુલાઇનો છે, પરંતુ સીએમ આ અંગે સપ્ટેમ્બર મહિનામાં નિવેદન આપી રહ્યા છે. કોર્ટે એમપણ જણાવ્યું હતું કે આ મામલે જ્યારે એસઆઇટીની રચના કરવામાં આવી છે ત્યારે તેના નિષ્કર્ષની રાહ જોવી જોઇતી હતી. સરકારને અગર ઘીની ગુણવત્તા અંગે ફરિયાદ હતી તો તેમણે ઘીના દરેક કંટેઇનરની તપાસ કરવી જોઇતી હતી.