ભારતે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં ૭ વિકેટે વિજય મેળવ્યો. આ સાથે ભારતે બાંગ્લાદેશનો ૨-૦ થી વ્હાઇટવોશ કર્યો.
ઘરઆંગણે સતત ૧૮ ટેસ્ટ શ્રેણી જીતીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ.
ભારતે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં ૭ વિકેટે વિજય મેળવ્યો છે. ભારતે બાંગ્લાદેશનો ૨-૦ થી વ્હાઇટવોશ કર્યો છે. આ જીત સાથે ભારતીય ટીમ ઇતિહાસ રચી દીધો છે. ટીમ ઇન્ડિયાએ ઘરઆંગણે સતત ૧૮ મી ટેસ્ટ શ્રેણી જીતી છે. આવો રેકોર્ડ બનાવનાર પ્રથમ ટીમ બની છે. ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે સતત ૧૦ ટેસ્ટ શ્રેણી જીતીને બીજા સ્થાને છે.
ભારતીય ટીમ ઘરઆંગણે પ્રવાસી ટીમો પર હાવી
ભારતીય ટીમે પોતાની ભૂમિ પર પ્રભુત્વસભર દેખાવ કર્યો છે. આંકડાઓ આ વાતની સાક્ષી પૂરે છે. ૧૨ વર્ષમાં ટીમ ૧૮ સિરીઝમાં ૫૩ ટેસ્ટ રમ્યું છે. જેમાં ૪૨માં વિજય થયો છે ફક્ત ૪ મેચમાં જ પરાજય થયો છે. ૭ ટેસ્ટ મેચ ડ્રો રહી છે. ટીમ ૩૭ મેચમાં એક ઈનિંગ્સ અથવા ૧૦૦થી વધુ રન કે ૮ વિકેટથી જીત મેળવી છે.
ઘરઆંગણે છેલ્લી ૧૮ ટેસ્ટ શ્રેણીમાં ભારતનું પ્રદર્શન
- ૨૦૨૪ – બાંગ્લાદેશ સામે ૨-૦થી વિજય
- ૨૦૨૪ – ઇંગ્લેન્ડ સામે ૪-૧થી વિજય
- ૨૦૨૩ – ઓસ્ટ્રેલિયા સામે ૨-૧થી વિજય
- ૨૦૨૨ – શ્રીલંકા સામે ૨-૦થી વિજય
- ૨૦૨૧ – ન્યૂઝીલેન્ડ સામે ૧-૦થી વિજય
- ૨૦૨૧ – ઇંગ્લેન્ડ સામે ૩-૧થી વિજય
- ૨૦૧૯ – બાંગ્લાદેશ સામે ૨-૦થી વિજય
- ૨૦૧૯ – દક્ષિણ આફ્રિકા સામે ૩-૦થી વિજય
- ૨૦૧૮ – વેસ્ટ ઇન્ડીઝ સામે ૨-૦થી વિજય
- ૨૦૧૮ – અફઘાનિસ્તાન સામે ૩-૦થી વિજય
- ૨૦૧૭ – શ્રીલંકા સામે ૧-૦થી વિજય
- ૨૦૧૭ – ઓસ્ટ્રેલિયા સામે ૨-૧થી વિજય
- ૨૦૧૭ – બાંગ્લાદેશ સામે ૧-૦થી વિજય
- ૨૦૧૬ – ઇંગ્લેન્ડ સામે ૪-૦થી વિજય
- ૨૦૧૬ – ન્યૂઝીલેન્ડ સામે ૩-૦થી વિજય
- ૨૦૧૫ – દક્ષિણ આફ્રિકા સામે ૩-૦થી વિજય
- ૨૦૧૩- વેસ્ટ ઇન્ડીઝ સામે ૨-૦થી વિજય
- ૨૦૧૩ – ઓસ્ટ્રેલિયા સામે ૪-૦થી વિજય
ભારતે ૨૦૧૨માં છેલ્લી વખત ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી ગુમાવી હતી
ભારત પ્રવાસ પર ટેસ્ટ રમવા આવનારી ટીમ એક મેચ જીતે છે તે પણ સારી વાત ગણાય છે. સામાન્ય ટીમોનો વ્હાઇટવોશ થાય છે. ભારતીય ટીમે ૨૦૧૨ માં છેલ્લી વખત ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી ગુમાવી હતી. તે સમયે એલિસ્ટર કૂકની કેપ્ટન્સી હેઠળની ઈંગ્લેન્ડની ટીમે ૨૦૧૨ માં ૪ મેચની શ્રેણી ૨-૧ થી જીતી હતી. આ પછી ભારત પોતાના ઘરઆંગણે એકપણ ટેસ્ટ શ્રેણી હાર્યું નથી.