થાઈલેન્ડના બેંગકોંગમાં ૪૪ લોકોને લઈ જતી સ્કૂલ બસમાં એકાએક આગ લાગતાં મોટી દુર્ઘટના ઘટી હતી જેના લીધે ૨૫ બાળકોના મોત નીપજ્યા હતા.આ ઘટનાથી ભારે ગમગીની ફેલાઈ ગઈ હતી. અન્ય ૧૬ સ્ટુડન્ટને હોસ્પિટલમાં ખસેડાયા હતા. બસમાં ૪૪ લોકો સવાર હતા. સ્ટુડન્ટ સાથે કેટલાક ટીચર પણ હતા.
મંગળવારે બસ કેન્દ્રીય ઉથાઈ થાની પ્રાંતમાંથી અયુથયા જઈ રહી હતી, ત્યારે બપોરે ૦૨:૦૦ વાગ્યાની આસપાસ પથુમ થાનીમાંથી પસાર થતી વખતે બસના આગળના હિસ્સામાં આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે, બચાવ કામગીરી કરી રહેલા લોકોને બસમાં પ્રવેશવા મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
આ દુર્ઘટના સમયે ત્રણ શિક્ષકો અને ૧૬ બાળકો બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. જો કે, તેમને નાની-મોટી ઈજાઓ થઈ છે. ડ્રાઈવર પણ બચી ગયો હતો. પરંતુ તે ઘટનાથી ડરી જતાં ભાગી ગયો હતો. પરિવહન મંત્રીએ જણાવ્યું કે, મંગળવારે બસ કેન્દ્રીય ઉથાઈ થાનીમાંથી વિદ્યાર્થોને અયુથયાની ટૂર પર લઈ જઈ રહી હતી. ત્યારે તેમાં અચાનક ટાયર ફાટતાં આગ લાગી હોવાનું પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે. હજી વાસ્તવિક કારણ જાણવા મળ્યું નથી.
મંત્રીએ મીડિયાને એવીમાહિતી આપી હતી કે આ બસ સીએનજી વડે ચાલે છે. આગ લાગવાના કારણ અંગે તપાસ શરૂ કરી દેવાઈ હતી. આ ઘટનાથી બેંગકોંકમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી.