મધ્યપૂર્વમાં યુદ્ધ વકરવાની ભતિ વચ્ચે વિશ્વભરના ઇક્વિટી માર્કેટમાં ગુરુવારે કડાકાની હારમાળ જોવા મળી હતી. ઈરાન અને ઈઝરાયલ યુદ્ધની વણસતી સ્થિતિ વચ્ચે એશિયાઇ બજારોની સાથે સ્થાનિક શેરબજારમાં પણ કારમો કડાકો જોવા મળ્યો હતોે. વિદેશી રોકાણકારોની મોટાપાયે વેચવાલી અને સેબી દ્વારા એફએન્ડઓના નિયમોને આકરા કરવાની જાહેરાતની અસર પણ સેન્સેક્સ અને નિફ્ટી પર જોવા મળી છે.
સેન્સેક્સ ૧૨૫૦ પોઇન્ટના તોતિંગ કડાકા સાથે શરૂઆત બાદ સત્રના પાછલા ભાગમાં ૧૮૩૨.૨૭ પોઈન્ટના ગાબડાં સાથે ૮૨૪૩૨.૦૨ની બોટમે અથડાયો હતો. અંતે ૧.૭૬૯.૧૯ પોઈન્ટ તૂટી ૮૨,૪૯૭.૧૦ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. એ જ રીતે, નિફ્ટી ૫૬૬.૬ પોઈન્ટ તૂટી ૨૫,૫૦૦ પોઇન્ટની અતિ મહત્ત્વની સપાટી ગુમાવી અંતે ૫૪૬.૮૦ પોઈન્ટના કડાકા સાથે ૨૫,૨૫૦.૧૦ પોઇન્ટના સ્તર પર બંધ રહ્યો હતો.
પાછલા કેટલાક સમયથી રોકાણકારોને જલસો કરાવનાર શેરબજારે આજે રાતા પાણીએ રોવડાવ્યા છે. સેન્સેકસમાં જ્યારે ૧૮૦૦ પોઇન્ટથી મોટો કડાકો પડ્યો ત્યારે બીએસઇમાં લિસ્ટેડ કુલ શેરોના મૂલ્યમાં અદાંજ રૂ. ૧૧ લાખ કરોડનું ધોવાણ નોંધાયું હતું. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ ૪૦૭૨ શેર્સ પૈકી ૨૮૬૪ શેર્સ ઘટાડે બંધ રહ્યા હતા. જ્યારે ૧૧૨૦ શેર્સ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા.
સાર્વત્રિક વેચવાલીના માહોલ સાથે મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં બે ટકા સુધીનું ગાબડું નોંધાયુ હતું. મેટલ સિવાય તમામ કોર સેક્ટર ઈન્ડાઈસિસમાં પણ એક ટકાથી ૨.૫૦ ટકા સુધીનો કડાકો હતો. રિયલ્ટી ઈન્ડેક્સ સૌથી વધુ ૪.૬૨ ટકા કડાકા સાથે ટોપ લૂઝર રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ૧૦ ટકાથી વધુ તૂટ્યો હતો.