પાકિસ્તાનમાં ઈમરાન ખાનના સમર્થકોએ સંસદ ઘેરી લેતાં ઘર્ષણ અને ગોળીબાર.
પાકિસ્તાનની રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થાની ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના સમર્થકોએ ઈસ્લામાબાદમાં તેમના નેતાને જેલમાંથી મુક્ત કરવાની અને ન્યાયતંત્રની સ્વતંત્રતાની માગ સાથે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના શેલ છોડ્યા, તમામ હાઈવે બ્લોક કરી દીધા, મોબાઈલ સેવાઓ સ્થગિત કરી અને કલમ 144 લાગુ કરી. PTIએ દાવો કર્યો છે કે, ઈસ્લામાબાદના કેપી હાઉસમાં રેન્જર્સના જવાનો બળજબરીથી ઘૂસ્યાને કેપીના મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુરની ધરપકડ કરી હતી. જેમાં પાર્ટીના વિરોધનો એક ભાગ બનવા માટે રાજધાની ગયા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી.
PTI નેતા ઈમરાન ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને તેમના સમર્થકોની પ્રશંસા કરતા કહ્યું કે, ‘મને આપણા બધા લોકો પર ગર્વ છે. વિશ્વાસ જાળવવી રાખવા માટે આપનો આભાર. તમે ગઈકાલે બહાર આવ્યા ત્યારે તમે અતૂટ હિંમત દર્શાવી અને અવિશ્વસનીય અવરોધોને પાર કરીને ડી ચોક તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું.’
તેમણે કહ્યું કે, ‘તમે ફાસીવાદી સરકારની ગોળીબાર વચ્ચે સંઘર્ષ કર્યો, તમે કન્ટેનર, ખોદેલા હાઇવે અને ત્યાં મુકેલા લોખંડના ખીલાઓને પાર કરીને આગળ વધતા રહ્યા, તેમજ મહિલાઓ, વૃદ્ધો અને યુવાનોએ અથાક શક્તિ અને ધીરજ દર્શાવી હતી. ‘
ઈમરાને તેના સમર્થકોને અપીલ કરતા કહ્યું કે, ‘બધાને ડી ચોક તરફ આગળ વધવા અને અલી અમીનના કાફલામાં સામિલ થવાનું આહ્વાન કરુ છું. હું ખાસ કરીને કેપી, ઉત્તર પંજાબ અને ઈસ્લામાબાદના લોકોની પ્રશંસા કરવા માંગુ છું. તમારા નિશ્ચય અને પ્રતિબદ્ધતા સાથે તમે ગોળીબાર, હેલિકોપ્ટરમાંથી છોડવામાં આવતા રસાયણો, રાજમાર્ગો પર ખાડા સહિતના અવરોધોને પાર કર્યા છે.’
‘હું પંજાબના લોકોને લાહોરના મિનાર-એ-પાકિસ્તાન તરફ જવા માટે પણ કહી રહ્યો છું. જો તેઓ ત્યાં ન પહોંચી શકે તો, તેમણે તેમના શહેરોમાં વિરોધ પ્રદર્શનમાં સામેલ થવું જોઈએ. આ સ્વતંત્રતા માટેની વાસ્તવિક લડાઈ છે, જેથી આપણે પોતાના દેશમાં બંધારણ અને કાયદાના શાસનની અંદર મુક્ત નાગરિક તરીકે જીવી શકીએ, જેમ કે આપણા સ્થાપક કાયદે આઝમ મોહમ્મદ અલી ઝીણાએ કર્યું હતું.’