કેક બનાવવામાં વપરાતા આર્ટિફિશિયલ ફૂડ ડાઇ કલરથી ઘણી સ્વાસ્થ્ય બીમારી થતી હોવા અંગે FSSAI એ ચેતવ્યા છે.
કેક કટિંગ કરવું એક ટ્રેન્ડ બની ગયો છે. બર્થડે હોય કે કોઇ સેલિબ્રેશન દરેક ફંક્શનમાં કેક કટિંગ કરવામાં આવે છે. સૌથી ખાસ એ છે કે બાળક થી માંડી યુવાનો અને વૃદ્ધો સુધી દરેકને કેક ખાવી ગમે છે. જો કે કેક ખાવાના શોખીનો માટે એક ચિંતાજનક સમાચાર છે. ખુશીના પ્રસંગો પર સ્વીટ કેક તમને કેન્સર જેવા જીવલેણ રોગનો શિકાર બનાવી શકે છે. જી હા, કર્ણાટકના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટને સેફ્ટી ટેસ્ટમાં ૧૨ પ્રકારની કેક કેન્સરનું કારણ હોવાનું જણાયું છે.
FSSAI એ આ ટેસ્ટમાં કેક ના ૨૩૫ સેમ્પલ સામેલ કર્યા હતા, જેમાંથી ૧૨ કેકમાં ખતરનાક કૃત્રિમ કલર હોવાનું જણાયું છે,જે કેન્સર થવાનનું કારણ બને છે. આ કેકમાં રેડ વેલ્વેટ અને બ્લેક ફોરેસ્ટ કેકનો સમાવેશ થાય છે, જે મોટાભાગના લોકોની ફેવરિટ કેક છે. આ કેકમાં રહેલા ખતરનાક કેમિકલ્સ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખતરો ઉભો કરી શકે છે.
હવે સવાલ એ ઉઠે છે કે આ આર્ટિફિશિયલ ફૂડ ડાઇ કેવી રીતે કેન્સરનું કારણ બની શકે છે? ચાલો જાણીએ કે તમારા જન્મદિવસની ઉજવણી કરતી તમારી મનપસંદ કેક કેવી રીતે કેન્સરનું કારણ બને છે અને કેકની પસંદગી કરતી વખતે તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ.
કેક માં આર્ટિફિશિયલ ફૂડ કલર કેન્સરનું કારણ બની શકે છે ?
કેક બનાવવામાં વપરાતા આર્ટિફિશિયલ ફુડ ડાઇ કલર ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. FSSAI એ આ કેકના કલરને કેન્સરગ્રસ્ત માન્યા છે. જો કે ભોજન બનાવવામાં આર્ટીફિશ્યલ ફૂડ ડાઇ કલરનો ટ્રેન્ડ સદીઓ જૂનો છે. પ્રથમ કૃત્રિમ રંગ 1856માં કોલસા ડારમાંથી બનાવવામાં આવ્યો હતો. આજે આ કલર મુખ્યત્વે પેટ્રોલિયમમાંથી મેળવવામાં આવે છે. જ્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં જે કૃત્રિમ ખાદ્ય રંગોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે તેમાં મોટા ભાગના ઝેરી પદાર્થો હોય છે જે કેન્સરનું કારણ બને છે.
એન્વાયર્નમેન્ટલ હેલ્થ પરસ્પેક્ટિવ્સના એક સંશોધનમાં જણાવાયું છે કે સનસેટ યલો અને ત્રણ પ્રકારના કોમન ડાઇનો ઉપયોગ કરવાથી અસ્થમાના દર્દીઓમાં ત્વચાની બળતરા અને શ્વાસની સમસ્યાઓ સહિત ઘણા પ્રકારની એલર્જીનું જોખમ વધી જાય છે. અસ્થમાના દર્દીઓને આ કલરથી એલર્જી થવાની શક્યતા વધી જાય છે.
રિપોર્ટ અનુસાર, ખાદ્ય પદાર્થોમાં સિન્થેટિક કલરની ભેળસેળને કારણે ઝાડા, ઉબકા, દ્રષ્ટિની સમસ્યા, યકૃતની વિકૃતિઓ અને કેન્સર જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.