દુબઈમાં ચાલી રહેલા મહિલા ટી – ૨૦ વર્લ્ડ કપમાં ભારતના વિજયના શ્રીગણેશ થયાં છે અને આ વિજયની શરુઆત પણ પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવીને કરી છે.
ભારતીય ટીમે ICC મહિલા ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માં તેની પ્રથમ જીત હાંસલ કરી છે. ૬ ઓક્ટોબર ના રોજ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને ૬ વિકેટથી હરાવ્યું હતું. મેચમાં ભારતીય ટીમને જીતવા માટે ૧૦૬ રનનો ટાર્ગેટ હતો જે તેણે ૧૯ મી ઓવરના પાંચમા બોલ પર હાંસલ કરી લીધો હતો. ભારતીય ટીમને તેની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડના હાથે ૫૮ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ હવે તેની આગામી મેચમાં ૯ ઓક્ટોબર (બુધવાર)ના રોજ શ્રીલંકા સામે ટકરાશે.
લક્ષ્યનો પીછો કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી અને 18 રનના સ્કોર પર સ્મૃતિ મંધાના (૭ રન)ની વિકેટ ગુમાવી દીધી હતી. સ્મૃતિ ડાબા હાથની સ્પિનર સાદિયા ઈકબાલના બોલ પર તુબા હસને કેચ આઉટ થઈ ગઈ હતી. અહીંથી શેફાલી વર્મા અને જેમિમાહ રોડ્રિગ્સે ઇનિંગ્સને સંભાળી લીધી અને બીજી વિકેટ માટે ૪૩ રનની ભાગીદારી કરી. ઓમાઈમા સોહેલે શેફાલીને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. થોડા સમય બાદ બીજા સેટની બેટર જેમિમાહ પણ આઉટ થઈ ગઈ હતી જેને પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સનાએ આઉટ કરી હતી. શેફાલી વર્માએ ૩૫ બોલમાં ૩૨ રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા સામેલ હતા. જેમિમાએ ૨૮ બોલનો સામનો કરીને ૨૩ રનનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સનાએ વિકેટકીપર બેટ્સમેન રિચા ઘોષ (0)ને પણ આઉટ કરી હતી. રિચાના આઉટ થવાના સમયે ભારતનો સ્કોર ચાર વિકેટે ૮૩ રન હતો. સળંગ બોલ પર બે વિકેટ પડવાથી ભારતીય ટીમ કેટલાક દબાણમાં જોવા મળી હતી.
પાકિસ્તાને ભારતને આપ્યો હતો ૧૦૬ રનનો ટાર્ગેટ
ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં પાકિસ્તાને ૮ વિકેટ ગુમાવીને ૨૦ ઓવરમાં ૧૦૫ રન બનાવ્યાં હતા. પાકિસ્તાન તરફથી નિદા ડારે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે ૩૪ બોલમાં ૨૮ રન બનાવ્યા હતા. ભારત તરફથી અરુંધતી રેડ્ડીએ ૩ વિકેટ લીધી હતી. તેના સિવાય શ્રેયંકાએ ૨ વિકેટ લીધી હતી. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી નથી. ટીમ ઈન્ડિયાને પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારત માટે સેમીફાઈનલની રાહ મુશ્કેલ બની શકે?
ભારતીય ટીમ સેમિફાઇનલની રેસમાં યથાવત છે, પરંતુ આ ઓછા સ્કોરિંગ મેચને મોડેથી ખતમ કરવાથી ભવિષ્યમાં ભારત માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. આ જીત છતાં ભારતીય ટીમ પાંચ ટીમોના ગ્રુપ Aના પોઈન્ટ ટેબલમાં પાંચમાથી ચોથા સ્થાને પહોંચી ગઈ છે. તે જ સમયે, પાકિસ્તાનની ટીમ હાર બાદ પણ ત્રીજા સ્થાને બેઠી છે. ભારતીય ટીમે આ મેચમાં એક વખત પણ કોઈ જોખમ લીધું ન હતું. તેની પાછળનું કારણ એ હતું કે પીચ ધીમી હતી અને આઉટફિલ્ડ સારું ન હતું. બોલ બાઉન્ડ્રી સુધી સારી રીતે જતો ન હતો.
ભારત ટીમ:-
સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, અરુંધતી રેડ્ડી, સજના સજીવન, શ્રેયંકા પાટિલ, આશા શોભના, રેણુકા ઠાકુર સિંહ.