હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામના સમાચાર આવી રહ્યા છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે દાવો કર્યો હતો કે ચૂંટણી પંચની વેબસાઈટ પર હરિયાણા ચૂંટણીના પરિણામો માટે અપ-ટૂ-ડેટ વલણો અપલોડ કરવામાં વિલંબ થયો હતો. જો કે, મતદાન પેનલે આ દાવાને “બેજવાબદાર અને પાયાવિહોણા” ગણાવીને રદિયો આપ્યો હતો.
ચૂંટણી પંચે મંગળવારે હરિયાણા વિધાનસભા ચૂંટણીના મતગણતરી ડેટાને મતદાન પેનલની વેબસાઈટ પર અપડેટ કરવામાં ધીમી હોવાના કોંગ્રેસના આરોપને ફગાવી દીધો હતો. પોલ પેનલે જણાવ્યું હતું કે કોંગ્રેસના આક્ષેપો “બેજવાબદાર અને પાયાવિહોણા ” છે.
કોંગ્રેસ મહાસચિવ અને કમ્યુનિકેશન ઇન-ચાર્જ જયરામ રમેશે ચૂંટણી પંચની વેબસાઈટ અપ-ટૂ-ડેટ ટ્રેન્ડ અપલોડ કરવામાં ધીમી થવાનો આક્ષેપ કર્યા બાદ ચૂંટણી પેનલની આવી ટિપ્પણી આવી છે. નોંધનીય છે કે કોંગ્રેસના મહાસચિવ અને સંચાર પ્રભારી જયરામ રમેશે ટ્વીટ કર્યું હતું કે, “લોકસભાની ચૂંટણીની જેમ હરિયાણામાં અમે ફરીથી ECIની વેબસાઇટ પર અપ-ટૂ-ડેટ ટ્રેન્ડ અપલોડ કરવાની ગતિ ધીમી જોઈ રહ્યા છીએ. શું ભાજપ જૂના અને ભ્રામક વલણો શેર કરીને વહીવટીતંત્ર પર દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે?”
ECIએ જયરામ રમેશના આ આરોપોનો જવાબ મિનિટ-ટુ-મિનિટ ડેટા અપડેટની વિગતો સાથે આપ્યો હતો. ECIએ કહ્યું હતું કે, ‘કોંગ્રેસ દ્વારા ૪ જૂન, ૨૦૨૪ ના લોકસભા ચૂંટણીના પરિણામોના દિવસે પણ આવા જ આરોપ લગાવવામાં આવ્યા હતા.
કમિશને આ આરોપો પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા હતા અને તેનું ખંડન કર્યું હતું. અગાઉ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે મતગણતરી કંડક્ટ ઑફ ઇલેક્શન્સના નિયમ ૬૦ હેઠળ પૂર્વ નિર્ધારિત મતગણતરી કેન્દ્રો પર થાય છે. પંચ દ્વારા નિયુક્ત કરાયેલા અધિકારીઓ સતત મત ગણતરી પર નજર રાખે છે. કાયદાકીય જોગવાઈઓ મુજબ, દરેક બેઠક પર પડેલા મતોની ગણતરી ત્યાં ચૂંટણી લડતા ઉમેદવારો અને પક્ષો દ્વારા નામાંકિત નિરીક્ષકોની હાજરીમાં કરવામાં આવે છે. ડેટા અપડેટમાં વિલંબના તમારા પાયાવિહોણા આરોપોને સમર્થન આપવા માટે અમને કોઈ પુરાવા મળ્યા નથી. તમે અમને મોકલેલા મેમોરેન્ડમમાં કોઈ તથ્ય રજૂ કરવામાં આવ્યું નથી. હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો ECIની વેબસાઈટ પર દર ૫ મિનિટે અપડેટ કરવામાં આવે છે.