રાહુલ ગાંધી પાસેથી છીનવાઇ શકે છે વિપક્ષના નેતાનું પદ.
રાહુલ ગાંધી ના વિપક્ષના નેતાના પદને લઇને ભાજપે મોટો દાવો કર્યો છે. જેમાં ભાજપે જણાવ્યું છે કે વિપક્ષી ગઠબંધનના ઘટક પક્ષો લોકસભામાં વિપક્ષના નેતાની ભૂમિકા બદલવાનું વિચારી રહી છે. ભાજપનું કહેવું છે કે જો ઇન્ડી ગઠબંધનને લાગે છે કે રાહુલ ગાંધી સારું પ્રદર્શન નથી કરી રહ્યા તો તેમણે આ ફેરફાર કરવો જોઈએ.
કોંગ્રેસ ગૃહમાં સૌથી મોટી વિપક્ષી પાર્ટી હોવાથી નિમણૂક કરવામાં આવી
લોકસભાના સાંસદ બાંસુરી સ્વરાજે કહ્યું કે વિપક્ષી પાર્ટીઓમાં ઘણા સક્ષમ નેતાઓ છે જે વિપક્ષના નેતા ની ભૂમિકા ભજવી શકે છે. જો કે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય તેમણે લેવો પડશે કારણ કે તે ઇન્ડી ગઠબંધનનો આંતરિક મામલો છે. ભાજપના આ દાવા અંગે વિરોધ પક્ષો તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. પરંતુ નિષ્ણાતોએ કહ્યું છે કે ઓછામાં ઓછી ૧૦ % બેઠકો ધરાવતી સૌથી મોટી વિપક્ષી પાર્ટીના જ સાંસદને એલઓપી તરીકે નિયુક્ત કરી શકાય છે અને રાહુલ ગાંધીને વિપક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કોંગ્રેસ ગૃહમાં સૌથી મોટી વિપક્ષી પાર્ટી હોવાથી નિમણૂક કરવામાં આવી છે.
બાંસુરી સ્વરાજે શું કહ્યું ?
ભાજપ સાંસદની આ ટિપ્પણી ત્યારે આવી જ્યારે તેમને લોકસભામાં વિપક્ષનું પદ રોટેશન મુજબ રાખવાની સંભાવના વિશે પૂછવામાં આવ્યું. ભાજપ હેડ ક્વાર્ટર ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા બાંસુરી સ્વરાજે કહ્યું, હા. મેં એવું પણ સાંભળ્યું છે કે વિપક્ષના પદને રોટેશન મુજબ બદલવાની વાત છે. પરંતુ હું કહીશ કે આ વિપક્ષનો આંતરિક મામલો છે.
અન્ય ઘણા નેતાઓ સક્ષમ છે
સાંસદ બાંસુરી સ્વરાજે કહ્યું કે ઇન્ડી ગઠબંધન વિપક્ષની ભૂમિકા અંગે તેના વિકલ્પો પર વિચાર કરે. વિરોધ પક્ષોમાં ચોક્કસપણે ઘણા એવા નેતાઓ છે જેઓ એલઓપીની જવાબદારી નિભાવવામાં સક્ષમ છે. જો ગઠબંધનને લાગે છે કે રાહુલ ગાંધી તેમની જવાબદારીઓ સમર્પણ સાથે નિભાવી શકતા નથી તો તેમણે આવો નિર્ણય લેવો જોઈએ.