પાકિસ્તાનના વડાપ્રધાન એ મોદીને લખ્યો પત્ર, જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ કર્યો, શાંતિ અને સ્થિરતાની વાત કરી…

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને (PM IMRAN KHAN) મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)ને પત્ર લખીને પાકિસ્તાન દિવસ પર શુભેચ્છાઓ પાઠવવા બદલ આભાર માન્યો હતો. ઇમરાન ખાને જમ્મુ-કાશ્મીર, અને ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ વિશે વાત કરી હતી.

વડાપ્રધાન મોદીનો આભાર માન્યો
વડાપ્રધાન ઇમરાન ખાને પોતાના પત્રમાં લખ્યું છે, “પાકિસ્તાન દિવસ પર શુભેચ્છાઓ પાઠવતા તમારા પત્ર માટે હું તમારો આભાર માનું છું. પાકિસ્તાનના લોકો સ્વતંત્ર, સાર્વભૌમ રાજ્યની કલ્પના કરવા માટે કે જ્યાં તેઓ સ્વતંત્રતામાં જીવી શકે છે અને તેમની સંપૂર્ણ સંભાવનાનો અહેસાસ કરે છે તે માટે આપણા સ્થાપક પિતાની શાણપણ અને અગમચેતીને શ્રદ્ધાંજલિ આપીને આ દિવસની ઉજવણી કરે છે.”

પત્રમાં ફરી આલાપ્યો કાશ્મીર રાગ
વડાપ્રધાન ઇમરાન ખાને આગળ જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ કરતા લખ્યું છે, “પાકિસ્તાનના લોકો પણ ભારત સહિતના તમામ પડોશીઓ સાથે શાંતિપૂર્ણ અને સહકારપૂર્ણ સંબંધોની ઇચ્છા રાખે છે. અમને ખાતરી છે કે દક્ષિણ એશિયામાં કાયમી શાંતિ અને સ્થિરતા, ખાસ કરીને જમ્મુ-કાશ્મીર વિવાદને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચેના તમામ બાકી રહેલા મુદ્દાઓનું સમાધાન લાવવા પર તત્પર છે.” વડાપ્રધાન ઇમરાન ખાને વધુમાં પત્રમાં લખ્યું કે રચનાત્મક અને પરિણામલક્ષી સંવાદ માટે સક્ષમ વાતાવરણની રચના જરૂરી છે.તેમણે કોરોના મહામારી સામે લડતમાં ભારતના લોકો માટે શુભેચ્છાઓ પણ વ્યક્ત કરી.

અગાઉ વડાપ્રધાન મોદીએ લખ્યો હતો પત્ર
આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે એક પત્ર મોકલીને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને શુભેચ્છા પાઠવી હતી. ભારત અને પાકિસ્તાન હવેથી એક બીજા સાથેના સંબંધો સુધારવા માટે પગલાં લઈ રહ્યા છે, એવામાં વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે ઇમરાન ખાનને લખેલ પત્ર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો હતો.

ઇમરાન ખાનને મોકલેલા અભિનંદન સંદેશમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત પાકિસ્તાનના લોકો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ઇચ્છે છે અને આ માટે આતંક મુક્ત વાતાવરણ ખૂબ મહત્વનું છે. વડાપ્રધાન મોદીએ પણ પોતાના પત્રમાં કોરોના વાયરસ સામેની લડાઈનો ઉલ્લેખ કર્યો હતો અને ઈમરાન ખાન અને પાકિસ્તાનની જનતાને શુભેચ્છા પાઠવી હતી.

નોંધપાત્ર વાત એ છે કે વડાપ્રધાન મોદી દ્વારા આ પત્ર લખવાના બે દિવસ પહેલા જ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પોતે કોરોના સંક્રમિત થયા હોવાનું જાહેર કર્યું હતું. આ સમાચાર મળતા વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને ઈમરાન ખાનને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *