મૈસૂર-દરભંગા એક્સપ્રેસ દુર્ઘટનાગ્રસ્ત થયા પછી, દક્ષિણ રેલ્વેએ હેલ્પલાઇન ડેસ્ક બનાવી છે અને વિવિધ સ્ટેશનો માટે નંબરો પણ જારી કર્યા છે. આ દુર્ઘટનામાં ૧૯ લોકો ઘાયલ થયા છે.
તમિલનાડુના તિરુવલ્લુરમાં ગઈ રાતે મૈસૂર-દરભંગા એક્સપ્રેસની માલગાડી સાથે ટક્કર બાદ બે કોચમાં આગ લાગી હતી. તિરુવલ્લુરમાં આ ટ્રેન દુર્ઘટના બાદ બે ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. જયારે આઠ ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ દુર્ઘટના ચેન્નઈ ડિવિઝનના પોનેરી-કાવરપ્પેટાઈ રેલવે સ્ટેશન (ચેન્નઈથી ૪૬ કિમી) વચ્ચે થયો હતો. દુર્ઘટના બાદ રેલવે ટ્રેક પર રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે.
શુક્રવારે સાંજે મેઈન લાઈનમાં જવાને બદલે મૈસૂર-દરભંગા એક્સપ્રેસ લૂપ લાઈનમાં ગઈ અને ત્યાં ઉભેલી માલગાડી સાથે અથડાઈ ગઈ. ટક્કર બાદ દરભંગા એક્સપ્રેસના ૧૨-૧૩ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં 19 લોકો ઘાયલ થયા છે, જયારે કોઈ જાનહાનિ થયા હોવાના અહેવાલ નથી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આમાંથી ત્રણ મુસાફરો ICUમાં દાખલ છે.
દુર્ઘટના પછી, દક્ષિણ રેલ્વેએ હેલ્પલાઇન ડેસ્ક બનાવી અને વિવિધ સ્ટેશનો માટે નંબરો પણ જારી કર્યા છે જેના દ્વારા માહિતી મેળવી શકાય છે. ટ્રેનમાં સવાર મુસાફરોને લઈને બીજી ટ્રેન તિરુવલ્લુરથી દરભંગા માટે રવાના થઈ ગઈ છે.