૧૫ નવેમ્બર પછી મતદાનની સંભાવના
મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં મતદાન યોજવા તંત્ર તૈયાર
યુ.પી,બંગાળ, આસામ, રાજસ્થાન, બિહાર, પંજાબ, કેરળ અને કર્ણાટકમાં પેટા ચૂંટણી આવશે.
જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂરી થઇ ગઈ છે અને હવે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી યોજવા કવાયત હાથ ધરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ચૂંટણી પંચ મોટાભાગે આ અઠવાડિયામાં જ મતદાનની તારીખ જાહેર કરી શકે છે. આ બે રાજ્યો ઉપરાંત જુદા જુદા રાજ્યોમાં મળીને વિધાનસભાની ૫૦ બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાવાની છે. આ સિવાય લોકસભાની બે બેઠકની પેટા ચૂંટણી પણ યોજવામાં આવશે.
ચૂંટણીની તારીખોની જાહેરાત પૂર્વે દિવાળીના તહેવારો પણ ધ્યાનમાં લેવામાં આવશે. ૨૯ ઓક્ટોબરથી ૩ નવેમ્બર સુધી આ તહેવારો છે. આ સિવાય છઠ્ઠ પૂજાનું ઝારખંડમાં ઘણું મહત્વ છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં કામ કરતા બિહારી લોકો થોડા દિવસ માટે બિહાર ચાલ્યા જાય છે. તદુપરાંત દેવદિવાળીનુ પણ ઘણું મહત્વ છે.
આ બધા તહેવારોને ધ્યાનમાં રાખીને મતદાન મોટાભાગે નવેમ્બરના બીજા અઠવાડિયા પછી એટલે કે ૧૫ નવેમ્બર આસપાસ પછી રાખવામાં આવશે.
ચૂંટણી પંચના સુત્રોના જણાવ્યા અનુસાર, જુદા જુદા રાજ્યોની ૫૦ જેટલી બેઠકની પેટા ચૂંટણી પણ યોજવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ બેઠકોમાં ઉત્તરપ્રદેશની ૧૦, પશ્ચિમ બંગાળની ૬, આસામ અને રાજસ્થાનની પાંચ-પાંચ, બિહાર અને પંજાબની ચાર-ચાર તથા કર્ણાટક અને કેરળની ત્રણ-ત્રણ બેઠકોનો સમાવેશ થાય છે. આ સિવાય રાહુલ ગાંધીએ જે બેઠક છોડી છે તે કેરળની વાયનાડ અને તૃણમુલ કોંગ્રેસના સાંસદ શેખ નુરુલ ઇસ્લામના મૃત્યુને ખાલી પડેલી બસીરહટ બેઠકની પેટા ચૂંટણી પણ જાહેર થશે.
મહારાષ્ટ્ર વિધાનસભાની મુદ્દત ૨૬ નવેમ્બરે અને ઝારખંડ વિધાનસભાની મુદ્દત ૫ જાન્યુઆરી-૨૦૨૫માં સમાપ્ત થઇ રહી છે. ૨૦૧૯માં ઝારખંડમાં પાંચ તબક્કામાં અને મહારાષ્ટ્રમાં એક જ તબકકામાં મતદાન થયું હતું.
મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી પછી તરત દિલ્હીની ચૂંટણી યોજાઈ શકે છે.દિલ્હી વિધાનસભાની મુદ્દત પાંચમી ફેબ્રુઆરીએ પૂરી થઇ રહી છે. આમ આદમી પાર્ટીએ મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે જ દિલ્હીની ચૂંટણી યોજવાની માંગણી કરી છે.