સુપ્રીમ કોર્ટે ગુરુવારે નાગરિકતા કાયદાની કલમ ૬Aની બંધારણીય માન્યતાને સમર્થન આપ્યું હતું. આ કલમ રાજીવ ગાંધી સરકાર દ્વારા ૧૯૫૫ના અધિનિયમમાં દાખલ કરવામાં આવેલી વિશેષ જોગવાઈ છે, જે હેઠળ ૧ જાન્યુઆરી, ૧૯૬૬ પહેલા આસામમાં પ્રવેશેલા ઈમિગ્રન્ટ્સને નાગરિકતા આપવામાં આવી હતી. નાગરિકતા અધિનિયમની કલમ ૬A, આસામ સમજૂતી પછી ૧૯૮૫ માં ઘડવામાં આવી હતી, જેણે ૧૯૬૬-૧૯૭૧ વચ્ચે ભારતમાં પ્રવેશેલા બાંગ્લાદેશી વસાહતીઓની નાગરિકતા પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેમને મતદાનનો અધિકાર નકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજીવ ગાંધી સરકાર દ્વારા કરાયેલો સુધારો બંધારણીય છે.
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વમાં પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે ૪-૧ ની બહુમતી સાથે આ નિયમને સમર્થન આપ્યું હતું. જસ્ટિસ જેબી પારડીવાલાએ આના પર અસંમતિ દર્શાવી હતી, જ્યારે બાકીના ચાર જજો – જસ્ટિસ સૂર્યકાંત, એમએમ સુંદરેશ અને મનોજ મિશ્રાએ તેના સમર્થનમાં પોતાનો ચુકાદો આપ્યો હતો. કલમ ૬-Aની બંધારણીય માન્યતા પર સવાલ ઉઠાવતી ૧૭ અરજીઓની સુનાવણી બાદ આ ફેસલો અપાયો હતો. કોર્ટે વાંધો ફગાવી દીધો હતો.
બહુમતી ચુકાદો વાંચતા,સીજેઆઈએ એ કહ્યું કે કલમ ૬A નો અમલ એ અસમ દ્વારા સામનો કરવામાં આવતી એક અનોખી સમસ્યાનો રાજકીય ઉકેલ હતો કારણ કે બાંગ્લાદેશની રચના પછી રાજ્યમાં ગેરકાયદેસર વસાહતીઓનો ધસારો તેની સંસ્કૃતિ અને વસ્તીને ગંભીર રીતે જોખમમાં નાખી રહ્યો હતો.
સુપ્રીમ કોર્ટે નાગરિકતા અધિનિયમ પર કહ્યું, “કેન્દ્ર સરકાર આ કાયદાને અન્ય વિસ્તારોમાં પણ લાગુ કરી શકી હોત, પરંતુ તેણે તેમ કર્યું નહીં, કારણ કે તે આસામ માટે હતું. આસામમાં સ્થળાંતર કરનારાઓની સંખ્યા અને સંસ્કૃતિ વગેરે પર તેની અસર વધુ છે. “આસામમાં ૪૦ લાખ સ્થળાંતર કરનારાઓની અસર પશ્ચિમ બંગાળના ૫૭ લાખ કરતા વધુ છે, કારણ કે આસામનો જમીન વિસ્તાર પશ્ચિમ બંગાળ કરતા ઓછો છે.”