ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે સરફરાઝ ખાને ૧૩ ફોર અને ૩ સિક્સર સાથે શાનદાર સદી ફટકારી છે અને આ સરફરાઝના ટેસ્ટ કરિયરની પ્રથમ સદી છે.
ભારતીય ક્રિકેટ ટીમ અને ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે સરફરાઝ ખાને શાનદાર સદી ફટકારી છે. સરફરાઝે ૧૧૦ બોલમાં ૧૦૦ રન પૂરા કર્યા હતા અને આ તેની ટેસ્ટ કરિયરની પ્રથમ સદી છે.
બેંગલુરુ ટેસ્ટ મેચના ચોથા દિવસે પ્રથમ સેશનમાં વરસાદના કારણે રમત રોકી દેવામાં આવી છે. ભારતીય ટીમ તરફથી અત્યાર સુધી ખૂબ જ સારું બેટિંગ પ્રદર્શન જોવા મળ્યું છે અને વરસાદને કારણે મેચ અટકી ત્યાં સુધી ટીમ ઈન્ડિયાએ તેની બીજી ઈનિંગમાં ૭૧ ઓવરમાં ૩ વિકેટના નુકસાન પર ૩૪૪ રન બનાવ્યા હતા. સરફરાઝ ખાન ૧૨૫ અને રિષભ પંત ૫૩ રન બનાવીને બેટિંગ કરી રહ્યા હતા. આ સાથે જ ન્યૂઝીલેન્ડ પાસે હવે પ્રથમ દાવમાં માત્ર ૧૨ રનની લીડ બાકી છે.
સરફરાઝ ખાને બેંગલુરુ ટેસ્ટમાં ૧૩ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી આ સદી ફટકારી હતી, આ પહેલા ટેસ્ટ ક્રિકેટમાં તેના નામે 3 અડધી સદી હતી. જાણીતું છે કે સરફરાઝ ખાન પ્રથમ દાવમાં શૂન્ય પર આઉટ થયો હતો. પરંતુ બીજી ઈનિંગમાં તે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.
સરફરાઝે આ વર્ષે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સામે તેની પ્રથમ ટેસ્ટ રમી હતી. અત્યાર સુધી ૪ ટેસ્ટ મેચની ૭ ઇનિંગ્સમાં લગભગ ૫૬ ની સરેરાશથી ૩૦૦ થી વધુ રન બનાવ્યા છે. ૧ સદી ઉપરાંત તેણે પોતાના બેટથી ૪ અડધી સદી પણ ફટકારી છે. ઈંગ્લેન્ડ સામેની તેની પ્રથમ ટેસ્ટ શ્રેણીમાં સરફરાઝે ૩ મેચની ૫ ઈનિંગ્સમાં ૫૦ ની એવરેજથી ૨૦૦ રન બનાવ્યા હતા. તેનો શ્રેષ્ઠ સ્કોર ૬૮* રન હતો.
સરફરાઝ તાજેતરમાં ઈરાની કપ ટુર્નામેન્ટમાં મુંબઈ માટે પ્રથમ બેવડી સદી ફટકારનાર પ્રથમ મુંબઈનો બેટ્સમેન બન્યો હતો. આ સાથે જ સરફરાઝે મુંબઈના રામનાથ પારકરનો રેકોર્ડ તોડ્યો હતો. આ ખેલાડીએ વર્ષ ૧૯૭૨ માં ઈરાની કપમાં ૧૯૪* રનની ઈનિંગ રમી હતી.