છેલ્લા કેટલાક દિવસોથી લગભગ દરરોજ કોઈને કોઈ ભારતીય એરલાઈન્સને બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ મળી રહી છે, જેને કારણે ઘણી ફ્લાઈટ્સની ઈમરજન્સી લેન્ડીંગ કરવવાની ફરજ પડી હતી. આ ધમકીઓને પગલે તંત્ર દોડતું થઇ ગયું છે. આ ધમકીઓ પાછળ કોનો હાથ છે, એ જાણવા માટે પ્રયાસો થઇ રહ્યા છે. એવામાં ખાલિસ્તાની અલગાવવાદી ગુરપતવંત સિંહ પન્નુને ખુલ્લેઆમ ભારતને ધમકી આપી છે, તેણે એર ઇન્ડિયાના વિમાનમાં બ્લાસ્ટની ધમકી આપી છે.
અમરિકામાં રહેતા ગુરપતવંત સિંહ પન્નુને કહ્યું છે કે શીખ રમખાણોના ૪૦ વર્ષ પૂરા થવા પર એર ઈન્ડિયાની ફ્લાઈટ પર હુમલો થઈ શકે છે. પન્નુને ઇન્ટરનેશનલ પેસેન્જર્સને અપીલ કરી છે કે તેઓ ૧ થી ૧૯ નવેમ્બર સુધી એર ઈન્ડિયામાં ઉડાન ન ભરે.
ગુરપતવંત સિંહ પન્નુન પાસે કેનેડા અને યુ.એસ. એમ બંને દેશની નાગરિકતા ધરાવતા છે. તેણે શીખ્સ ફોર જસ્ટિસ (LAF) સંગઠનની સ્થાપના કરી છે, તેણે ગયા વર્ષે પણ આવી જ ધમકી આપી હતી. આ ઉપરાંત પન્નુન અવારનવાર ભારત વિરોધી નિવેદનો આપતો રહે છે.
ભારતની કેટલીક એરલાઈન્સને મળી રહેલા બોમ્બ બ્લાસ્ટના ધમકીભર્યા કોલ વચ્ચે, પન્નુનની ધમકી મળતા તંત્ર વધુ સતર્ક થઇ ગયું છે. નોંધનીય છે કે અત્યાર સુધી મળેલી તમામ ધમકી પોકળ સાબિત થઇ હતી, કોઈ પણ એરક્રાફટમાં વાંધાજનક સામગ્રી મળી ન હતી.
પન્નુન અગાઉ પણ આપી ચુક્યો છે આવી ધમકી:
નવેમ્બર ૨૦૨૩ માં પન્નુને એક વિડિયો બહાર પાડ્યો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલવામાં આવશે અને એરપોર્ટ ૧૯ નવેમ્બરના રોજ બંધ રહેશે. લોકોને તે દિવસે એર ઈન્ડિયાના પ્લેનમાં મુસાફરી ન કરવા ચેતવણી આપી હતી.
નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA)એ તેના પર ગુનાહિત કાવતરું, ધર્મના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ વિવિધ ગુનાઓ માટે આરોપ મુક્યા છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં પન્નુને તેની હત્યાના કથિત નિષ્ફળ કાવતરાના અહેવાલ પ્રકાશિત થયા બાદ ૧૩ ડિસેમ્બરે અથવા તે પહેલાં સંસદ પર હુમલો કરવાની ધમકી આપી હતી. ૧૩ ડિસેમ્બરે ૨૦૦૧ માં સંસદ પર થયેલા આતંકવાદી હુમલાની વરસી છે.
તેણે આ વર્ષે ગણતંત્ર દિવસ પર પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન અને રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ગૌરવ યાદવને મારી નાખવાની ધમકી પણ આપી હતી. તેણે ગેંગસ્ટરોને એક થવા અને ૨૬ જાન્યુઆરીના રોજ માન પર હુમલો કરવા અપીલ કરી હતી.